ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સેનિટરી પેડ ડિસ્પોઝલ સુવિધા માટે ડૉ. તેજસ દોશીનું મહત્વપૂર્ણ સૂચન
ગુજરાત રાજ્યમાં દીકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ગૌરવને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી પહેલની માંગ કરવામાં આવી છે. “સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ (SBMU) – BMC, ગુજરાત સરકાર” ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીએ રાજ્ય સરકાર સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ સૂચન રજૂ કર્યું છે. તેમણે રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો તેમજ હોસ્ટેલના ગર્લ્સ વોશરૂમમાં સેનિટરી પેડ ઇન્સિનરેટર (Sanitary Pad Incinerator) અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની સુવિધા (Disposal Facility) ફરજિયાત કરવા માટે સ્ટેટ લેવલના સર્ક્યુલર કે ગાઈડલાઈન્સ બહાર પાડવા રજૂઆત કરી છે.

ડૉ. દોશીએ જણાવ્યું હતું કે, માસિક ધર્મ (Menstruation) દરમિયાન યોગ્ય સુવિધાઓના અભાવે અવારનવાર કિશોરીઓ અને યુવતીઓને સ્કૂલ-કોલેજ છોડવી પડે છે અથવા ગેરહાજર રહેવું પડે છે. જો વોશરૂમમાં જ સુરક્ષિત નિકાલની વ્યવસ્થા અને શક્ય હોય ત્યાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન (Vending Machines) ઉપલબ્ધ કરાવવામાં આવે, તો તેનાથી વુમન-ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે.
મેન્સ્ટ્રુઅલ હાઇજીન (Menstrual Hygiene) માં સુધારો: ઉપયોગમાં લીધેલા પેડ્સનો સુરક્ષિત નિકાલ થવાથી દીકરીઓમાં ચેપ (Infection) નું જોખમ ઘટશે.
વોશરૂમની સ્વચ્છતા: ટોઇલેટમાં પેડ્સ નાખવાના કારણે ડ્રેનેજ બ્લોકેજ થવાની સમસ્યાઓ અટકશે.
ગૌરવ અને આત્મવિશ્વાસ (Privacy & Dignity): કિશોરીઓ કોઈ પણ જાતના સંકોચ વિના ગૌરવ સાથે પોતાની હાઇજીન મેનેજ કરી શકશે.
હાજરીમાં વધારો (School & College Attendance): પીરિયડ્સ દરમિયાન પણ વિદ્યાર્થિનીઓ નિયમિત રીતે અભ્યાસ માટે આવી શકશે.
પર્યાવરણનું રક્ષણ: સેનિટરી વેસ્ટનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થવાથી પર્યાવરણને નુકસાન અટકશે.
મહિલા-અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: શૈક્ષણિક સંસ્થાઓમાં જેન્ડર સેન્સિટિવ વાતાવરણ ઊભું થશે.
આ સૂચન જો અમલમાં આવે તો તે માત્ર “બેટી બચાવો, બેટી ભણાવો” જ નહીં, પરંતુ વુમન હેલ્થ એન્ડ ડિગ્નિટી (Women Health & Dignity) ના ઉદ્દેશ્યને ખરા અર્થમાં સાર્થક કરશે. “Healthy Girls, Clean Washrooms & Dignified Menstrual Hygiene for Every Student” ના નારા સાથે ડૉ. તેજસ દોશીએ આ અવેરનેસ ઝુંબેશમાં તમામ નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી છે.






