ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અનેક પ્રસંગો એવા છે જ્યાં તેમણે ઉતાવળને બદલે યોગ્ય સમયની રાહ જોઇ. તેઓ જાણતા હતા કે દરેક કાર્યનો એક યોગ્ય સમય હોય છે. સમય પહેલાં કરવામાં આવેલું સારું કાર્ય પણ ક્યારેક ઇચ્છિત પરિણામ આપી શકતું નથી.
કંસના અત્યાચાર વિશે શ્રીકૃષ્ણ બાળપણથી જ જાણતા હતા. તેઓ ધારત તો નાની ઉંમરમાં જ મથુરા જઈને કંસનો અંત લાવી શકતા હતાં. પરંતુ તેમણે યોગ્ય સમય સુધી પોતાની શક્તિ, જ્ઞાન અને તૈયારી પર ધ્યાન આપ્યું. જ્યારે સમય અનુકૂળ બન્યો ત્યારે તેમણે મથુરા જઈને કંસનો વધ કર્યો અને પ્રજાને મુક્તિ અપાવી.
મહાભારતમાં પણ શ્રીકૃષ્ણે સૌપ્રથમ શાંતિના પ્રયાસો કર્યા. તેઓ જાણતા હતા કે યુદ્ધ અંતિમ વિકલ્પ હોવો જોઈએ. જ્યારે તમામ માર્ગો બંધ થઈ ગયા, ત્યારે જ તેમણે યુદ્ધને સમર્થન આપ્યું.
આજના જીવનમાં આપણે ઘણીવાર તરત જ પરિણામ મેળવવા માંગીએ છીએ. સફળતા, પૈસા, પ્રતિષ્ઠા અથવા સંબંધો બધું જ ઝડપથી મેળવવાની ઉતાવળમાં આપણે ધીરજ ગુમાવી દઈએ છીએ. પરંતુ શ્રીકૃષ્ણ શીખવે છે કે યોગ્ય સમયની રાહ જોવી એ નબળાઈ નહીં, પરંતુ પરિપક્વતા અને બુદ્ધિનું લક્ષણ છે.
દરેક બીજ વાવ્યા પછી તરત જ વૃક્ષ બનતું નથી. સફળતા માટે પ્રયત્ન સાથે ધીરજ પણ જરૂરી છે.
આજનું કૃષ્ણ સૂત્ર
“ઉતાવળ નિર્ણય બગાડે છે, ધીરજ સફળતા અપાવે છે.”









