આગામી તા. ૨૨ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન કાશ્મીરના અનંતનાગ ખાતે ‘ટગ ઑફ વોર ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા ૩૯મી સિનિયર નેશનલ ટગ ઑફ વોર (રસ્સાખેંચ) ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્ય ટગ ઑફ વોર એસોસિએશનના નેજા હેઠળ ગુજરાતની ટીમો ભાગ લેશે, જેમાં વલસાડ જિલ્લાના ખેલાડીઓ રાજ્યનું ગૌરવ વધારશે.

આ ચેમ્પિયનશિપ માટે વલસાડ જિલ્લામાંથી કુલ ૧૪ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે,
જેમાં ૧૦ યુવતીઓ: ખેલ મહાકુંભ-૨૦૨૫ના ઓપન વિભાગની ગોલ્ડ મેડલ વિજેતા ટીમના ખેલાડી બહેનો. ૦૪ યુવકો સિનિયર વિભાગમાં ૩ અને સબ-જુનિયર વિભાગમાં ૧ ખેલાડી.

રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જઈ રહેલા આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વલસાડ જિલ્લા ટગ ઑફ વોર એસોસિએશન દ્વારા એક ખાસ શુભેચ્છા મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાહ એન.એચ.કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વિજયકુમાર ચાંપાનેરી, એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ બલસારા, મંત્રી ડો. મુકેશભાઈ પટેલ, સહમંત્રી કેતનાબેન કનેરિયા અને ખજાનચી ડો. ભાવિનકુમાર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય ટગ ઑફ વોર એસોસિએશનના સેક્રેટરી રાજુભાઈ પટેલે તમામ ખેલાડીઓને ડિજિટલ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી અને સુંદર આયોજન બદલ વલસાડ એસોસિએશનની પીઠ થાબડી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત અને વલસાડ જિલ્લાનું નામ રોશન કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.






