વાપી (બ્યુરો રિપોર્ટ): 21 જૂન, 2026

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે દેશ-વિદેશમાં ’12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે નવરચિત વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રથમ ભવ્ય સરકારી યોગ કાર્યક્રમ આયોજનના અભાવે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાપીના નામધા રોડ સ્થિત રોફેલ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે સાડા ચાર લાખની વસ્તી ધરાવતા વાપી શહેરમાંથી માંડ 300 જેટલા લોકો જ હાજર રહેતા મનપાના ફ્લોપ આયોજનની પોલ ખુલ્લી પડી ગઈ છે.
આ આંતરરાષ્ટ્રીય સ્તરના સરકારી કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે જે કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ કેબિનેટ મંત્રી હાજર હોય, ત્યાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ એડીચોટીનું જોર લગાવતા હોય છે. પરંતુ અહીં યોગ બોર્ડના સભ્યો, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા મળીને પણ સંખ્યાનો આંકડો 400ને પાર ન કરાવી શક્યા. ફોટો અને વિડીયોમાં દેખાતી ખાલી જગ્યાઓ મનપાના ઉત્સાહ અને આયોજન પર સવાલો ઉભા કરે છે.

વાપી મહાનગરપાલિકામાં ભાજપનું સ્પષ્ટ શાસન છે. કુલ 13 વોર્ડના 52 નગરસેવકો (કોર્પોરેટરો) માંથી 37 બેઠકો સાથે ભાજપે અહીં ભવ્ય સત્તા હાંસલ કરી છે. રાજકીય પંડિતો કટાક્ષ કરી રહ્યા છે કે, વિશ્વની સૌથી મોટી સભ્ય સંખ્યા ધરાવતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે કોઈ સામાન્ય ચૂંટણી સભા કે રેલીમાં હજારોની મેદની સેકન્ડોમાં ભેગી કરવી એ રમત વાત છે, પરંતુ રાષ્ટ્રહિત અને સ્વાસ્થ્યના આ મહાઅભિયાનમાં તેઓ ઉદાસીન રહ્યા.

જો મનપાના 52 કોર્પોરેટરો માત્ર પોતાના વોર્ડ કે મતવિસ્તારમાંથી 20-20 નાગરિકોને પણ પોતાની સાથે લાવ્યા હોત, તો આ આંકડો 1000ને પાર થઈ ગયો હોત! આ ઉપરાંત, જો મનપા હસ્તકની સરકારી શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને અન્ય સામાજિક સંસ્થાઓને સત્તાવાર આમંત્રણ આપી ફરજિયાત હાજરી આપવા અનુરોધ કરાયો હોત તો પણ સંખ્યા 500 થી 1000 થી વધુ થઈ શકી હોત. પરંતુ આયોજકોની આ આળસને કારણે નાણામંત્રી અને ખુદ મનપાનું જનતા વચ્ચે ભારે નાક કપાયું છે.

જો આ આંકડાની ટકાવારી કાઢવામાં આવે તો તે વાપીની અંદાજિત સાડા ચાર લાખની વસ્તીના માંડ 0.06 ટકા જેટલી થાય! મહાનગરપાલિકા બન્યા પછી વાપીના નાગરિકો માટે આ પહેલો મોટો પ્રોગ્રામ હતો, જેમાં તંત્રનું નબળું સંકલન અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતા સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ નબળી હાજરીના ફોટો વાયરલ થતાં હવે સત્તાધારી પક્ષ અને વહીવટી પાંખ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા મથી રહ્યા છે.








