--Advertisement here--

ભારે વરસાદે પારડીના હરિયાવાડમાં સર્જી જળબંબાકાર સ્થિતિ: પ્રિમોનસૂન કામગીરીના દાવા ખુલ્લા પડ્યા, સ્થાનિકોએ જાતે જ કર્યો પાણીના નિકાલનો પ્રયાસ

On: July 3, 2026 1:43 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી, વલસાડ | પારડી શહેરના હરિયાવાડ વિસ્તારના હળપતિવાસ, કચ્છી કોલોની તેમજ પારસી અગિયારી વિસ્તાર (વોર્ડ નં. 4)માં શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદી પાણીના નિકાલ માટેની પ્રિમોનસૂન કામગીરી અધૂરી હોવાથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો.

મળતી માહિતી અનુસાર પારડી એસ.ટી. ડેપો તરફથી હાઈવેની ગટરોમાં જતું વરસાદી પાણી કચરો અને ગાદ ભરાઈ જવાના કારણે અટવાઈ ગયું હતું. પરિણામે પાણીનો નિકાલ અટકી જતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ ગંભીર બનવા છતાં તંત્ર સમયસર સ્થળ પર પહોંચ્યું નહોતું. જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ લાંબા વાંસ અને અન્ય સાધનોની મદદથી ગટરોમાં જામ થયેલો કચરો કાઢી વરસાદી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં તંત્ર દ્વારા જેસીબી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ સરકારી ગોડાઉન પાછળનો વિસ્તાર તથા વલસાડી ઝાંપા ગેટ નજીક નવી મસ્જિદ પાછળ માત્ર નામમાત્રની કામગીરી કરવામાં આવી હતી. મૂળ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નહોતી.

સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસા પહેલાં નિયમિત પ્રિમોનસૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ સર્જાત નહીં. હાલ વરસાદ વચ્ચે કરવામાં આવતી કામગીરી માત્ર ઔપચારિકતા સમાન હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક સુધારવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

error: Content is protected !!