
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર ચાર દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સંત-મહાત્માઓના આશીર્વાદ મેળવી રહ્યા છે તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આનુષંગિક સંગઠનોના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે બેઠક અને શુભેચ્છા મુલાકાતો કરી રહ્યા છે.

આ પ્રવાસ અંતર્ગત આલોક કુમારે બરૂમાળ સ્થિત શ્રી સદગુરુધામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત શ્રી સદગુરુધામ ખાતે ચાલી રહેલી વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ત્યારબાદ આલોક કુમારે સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અન્ય આનુષંગિક સંગઠનોના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા વિવિધ વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ધર્માંતરણના પડકારો, હિંદુ સમાજના સંગઠન, ધાર્મિક જાગૃતિ અને સામાજિક એકતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આલોક કુમારે કાર્યકર્તાઓને સંગઠનના કાર્યને વધુ ગતિશીલ બનાવવા, સેવા અને સંસ્કાર આધારિત પ્રવૃત્તિઓને વ્યાપક બનાવવાની સાથે સમાજમાં સમરસતા અને એકતા મજબૂત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હિંદુ સમાજના સર્વાંગી વિકાસ માટે સંગઠિત પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક સંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ હિંદુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








