ધોરણ 10 અને 12માં 80 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને અનોખું પ્રોત્સાહન; વિમાન, ટ્રેન અને ધાર્મિક પ્રવાસનો યાદગાર અનુભવ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ડુંગર-જંગલ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ માટે જીવનભર યાદ રહે એવી અનોખી ક્ષણ સર્જાઈ છે. વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત પૂજ્ય મોટા હાઈસ્કૂલ (માની) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં 80 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહનરૂપે સુરતથી જામનગર સુધી હવાઈ મુસાફરી કરાવવામાં આવી હતી.

મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આ જીવનનો પ્રથમ હવાઈ પ્રવાસ હતો. વિમાનમાં બેસવાનો અનોખો અનુભવ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ જામનગર પહોંચ્યા, જ્યાં તેમણે જગતપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવ્યો. ત્યારબાદ રેલવે મુસાફરી દ્વારા તેઓ વલસાડ પરત ફર્યા હતા.

આ પ્રવાસ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા, મોટા સપના જોવા અને જીવનમાં નવી ઊંચાઈઓ સર કરવાની પ્રેરણા આપતો અનુભવ સાબિત થયો. ડુંગર-જંગલ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વિમાનમાં મુસાફરી કરવાનો અવસર તેમના જીવનનો એક યાદગાર અધ્યાય બની રહ્યો.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનસેવા સંસ્થાન શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના પરિણામે ચાલુ વર્ષે ધોરણ 12નું પરિણામ 100 ટકા અને ધોરણ 10નું પરિણામ 98.40 ટકા નોંધાયું છે, જે વિદ્યાર્થીઓની મહેનત અને સંસ્થાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રતિબિંબ છે.

શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના, સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા જાગૃત થાય તેવા વિવિધ કાર્યક્રમોનું પણ સંસ્થા દ્વારા નિયમિત આયોજન કરવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આયોજિત આ હવાઈ અને ધાર્મિક પ્રવાસ પણ એવી જ એક પ્રેરણાદાયી પહેલ તરીકે વખાણાઈ રહ્યો છે.








