Google Earthના જૂના-નવા ફોટાએ ઉભા કર્યા ગંભીર સવાલો; કંપનીના વિસ્તરણ માટે પેટા નહેરનું અસ્તિત્વ જ બદલાયું?

દાદરા-નગર હવેલીના અથાલ વિસ્તારની એક ઔદ્યોગિક કંપનીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. Google Earthના વર્ષો જૂના અને હાલના સેટેલાઇટ ફોટાઓની સરખામણી કરતાં એવું જણાય છે કે એક સમયે કંપનીની બાજુમાંથી પસાર થતી દમણગંગા નહેર વિભાગની વિશાળ પેટા નહેર હવે તેના મૂળ માર્ગ પર જોવા મળતી નથી.
જૂના સેટેલાઇટ નકશામાં સ્પષ્ટપણે દેખાતી નહેર, કંપનીના તાજેતરના વિસ્તરણ બાદ ગાયબ થઈ ગઈ હોવાનું અથવા તેનો માર્ગ બદલાયો હોવાનું પ્રાથમિક રીતે નજરે પડે છે. આથી પ્રશ્ન ઊભો થાય છે કે…

શું નહેર પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું?
શું નહેરને ડાયવર્ટ કરવામાં આવી?
કે પછી સત્તાવાર મંજૂરી સાથે તેનો માર્ગ બદલવામાં આવ્યો?

જો નહેરનું ડાયવર્ઝન થયું હોય તો તેના માટે નહેર વિભાગ, સિંચાઈ વિભાગ તથા અન્ય સંબંધિત સત્તાધિકારીઓની મંજૂરી, ટેક્નિકલ ડિઝાઇન અને જાહેર હિતના માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે પણ તપાસનો વિષય બને છે.

- શું દમણગંગા નહેર વિભાગની પેટા નહેર પર દબાણ થયું છે?
- જો નહેર ડાયવર્ટ થઈ હોય તો તેની સત્તાવાર મંજૂરી કોણે આપી?
- ડાયવર્ઝન માટે સરકારની કઈ શરતોનું પાલન થયું?
- કંપનીને કેટલો વિસ્તાર ફાળવવામાં આવ્યો હતો અને હાલ કેટલો વિસ્તાર ઉપયોગમાં છે?
- નહેર વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું?
- જો ગેરકાયદે દબાણ છે તો આજદિન સુધી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?
- શું સરકારી સંપત્તિ ખાનગી હિત માટે બદલાઈ ગઈ?
સિંચાઈ વિભાગની નહેરો સરકારની જાહેર સંપત્તિ છે. સામાન્ય રીતે નહેરના પટ્ટા, સુરક્ષા વિસ્તાર અથવા જળપ્રવાહમાં કોઈપણ પ્રકારનું બાંધકામ, પુરાણ અથવા માર્ગ પરિવર્તન સંબંધિત વિભાગની પૂર્વ મંજૂરી વિના કરી શકાતું નથી. જો ગેરકાયદે દબાણ થાય તો વિભાગને નોટિસ આપવાથી લઈને દબાણ દૂર કરવાની અને ખર્ચ વસૂલવાની કાર્યવાહી કરવાનો અધિકાર હોય છે.
આ સમગ્ર મામલે સંબંધિત નહેર વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને કંપનીએ ખુલાસો કરવો જરૂરી છે કે
- મૂળ નહેરનો સત્તાવાર માર્ગ શું હતો?
- હાલ નહેર ક્યાંથી પસાર થાય છે?
- ડાયવર્ઝન માટે કયા આદેશો અને મંજૂરીઓ અપાઈ?
- જો મંજૂરી ન હોય તો જવાબદાર સામે શું કાર્યવાહી થશે?
ઉલ્લેખનીય છે જે આ અહેવાલ Google Earthના ઉપલબ્ધ જૂના અને નવા સેટેલાઇટ ચિત્રોના પ્રાથમિક અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.








