અભિજીત મુહૂર્તમાં બળદેવભાઈ સુરતી અને અમિતકુમાર પટેલે વિધિવત્ ચાર્જ સંભાળ્યો; “ગામના વિકાસને ફરી પાટા પર લાવીશું” — ઉપસરપંચ અમિત પટેલ

ઉમરગામ: ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. અધિક વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગરના હુકમના અનુસંધાને સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બળદેવભાઈ જશુભાઈ સુરતી અને ઉપસરપંચ તરીકે અમિતકુમાર મણીલાલ પટેલે તા. 20 ઓગસ્ટ 2026ના રોજ બપોરે અભિજીત મુહૂર્તમાં વિધિવત્ ચાર્જ સંભાળ્યો હતો.

ચાર્જ સંભાળવાના આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ બંનેનું અભિનંદન કરી નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઉપસરપંચ અમિતકુમાર મણીલાલ પટેલે સૌનો આભાર વ્યક્ત કરતાં સોળસુંબા ગામના વિકાસને ફરી ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અમિત પટેલે જણાવ્યું હતું કે, તેમના મતે અગાઉની ઘટના રાજકીય અદાવતનું પરિણામ હતી અને તેમાં ગામને ભોગ બનવું પડ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, સોળસુંબા એક સમયે શ્રેષ્ઠ ગામ હતું, પરંતુ વિવાદોના કારણે ગામનો વિકાસ પાછળ ધકેલાયો છે.

તેમણે કહ્યું કે હવે પંચાયતનું મુખ્ય પ્રાધાન્ય ગામની મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરવાનો રહેશે. રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિતની જે ત્રુટિઓ છે તે દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.

આગામી અંદાજે ચાર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી તે પહેલાં શક્ય તેટલા વિકાસલક્ષી કામો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં ગામના વિકાસને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવાની વાત તેમણે કરી હતી.

“કોઈ ઉચાપત કે ભ્રષ્ટાચાર કર્યો નથી”
પોતાના નિવેદનમાં અમિત પટેલે અગાઉના પ્રકરણ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “અમારી ઘટનામાં કોઈ ગેરરીતિ નહોતી, બસ અમે સ્ટેપ ચૂક્યા હતા.” તેમણે વધુમાં એવો દાવો કર્યો હતો કે તેમણે કોઈ ઉચાપત કે ભ્રષ્ટાચાર કર્યો નથી અને તેમના પર આરોપ હતો, પરંતુ તેઓ ગુનેગાર નથી.

તેમણે જણાવ્યું કે સંબંધિત પ્રકરણમાં જે બાબતોમાં સુધારાની જરૂર છે તેમાં આગામી દિવસોમાં સુધારો કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ, તમામ રેકોર્ડ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ અંગે સારો નિર્ણય આવશે તેવી અપેક્ષા છે.

અમિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે અગાઉની સમગ્ર ઘટનાની અસરથી ગામનો વિકાસ પ્રભાવિત થયો છે અને તેના માટે તેમણે ગામજનો સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી.

વિકાસને પ્રાથમિકતા
ચાર્જ સંભાળ્યા બાદ પંચાયતનું મુખ્ય ધ્યાન હવે ગામની મૂળભૂત સુવિધાઓ અને વિકાસકામો તરફ રહેશે તેમ ઉપસરપંચે જણાવ્યું હતું. રોડ-રસ્તા, લાઇટ સહિતની સમસ્યાઓ દૂર કરી સોળસુંબાને ફરી વિકાસના માર્ગે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.

ચાર્જ સંભાળવાના આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત ગામના અગ્રણી નાગરિકો, ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સરપંચ બળદેવ સુરતી અને ઉપસરપંચ અમિત પટેલને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

સોળસુંબા ગ્રામ પંચાયતમાં હવે નવા નેતૃત્વ સામે સૌથી મોટો પડકાર ગામના વિકાસને ફરી ગતિ આપવાનો અને બાકી રહેલી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો ઉકેલવાનો રહેશે.






