નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અગ્રણીઓને બ્રહ્માકુમારી બહેનોએ રક્ષાસૂત્ર બાંધી નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી

કિલ્લાપારડી: બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા કિલ્લાપારડી ખાતે પવિત્રતા, ભાઈચારો અને આધ્યાત્મિક સ્નેહનો સંદેશ આપતા અલૌકિક રક્ષાબંધન અને 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કિલ્લાપારડી સેવાકેન્દ્રનાં મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી પારુલ બહેને ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ પરિવાર તથા શહેરના અગ્રણીઓને રક્ષાસૂત્ર બાંધી પવિત્રતા અને આધ્યાત્મિક મૂલ્યોનો સંદેશ આપ્યો હતો. સાથે જ ઉપસ્થિતોને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નશામુક્તિ અભિયાનને દિલથી બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નશો સમાજને વિનાશ તરફ લઈ જાય છે. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા નશામુક્તિ અભિયાનની પ્રશંસા કરતાં તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે કોઈ શાળા, કોલેજ કે મહોલ્લો આ અભિયાનથી બાકી ન રહે.

કનુભાઈ દેસાઈએ બ્રહ્માકુમારી સંસ્થા સાથેના પોતાના સંબંધ અંગે જણાવ્યું હતું કે, “આ બ્રહ્માકુમારી વિદ્યાલય અને બહેનો મારા પરિવાર જેવા છે. હું અહીં આવું છું ત્યારે ખૂબ સુખ, શાંતિનો અનુભવ કરું છું.”

બ્રહ્માકુમારી પારુલ બહેને રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વ અંગે સમજાવતાં જણાવ્યું હતું કે રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પર્વ નથી, પરંતુ પવિત્રતાની પ્રતિજ્ઞા લેવાનું પણ પર્વ છે. સાચું રક્ષણ માત્ર બહારથી નહીં, પરંતુ પોતાના વિચારો, વાણી અને કર્મોને પવિત્ર બનાવીને થાય છે. વ્યસન અને વિકારોનો ત્યાગ કરીને પવિત્ર જીવન જીવીએ ત્યારે આત્મિક રીતે આપણી રક્ષા આપોઆપ થાય છે.

કાર્યક્રમના અંતે બ્રહ્માકુમારી બહેનોએ ઉપસ્થિત સૌને મેડિટેશન અને રાજયોગની ગહન અનુભૂતિ કરાવી હતી. રાજયોગ દરમિયાન સમગ્ર વાતાવરણ શાંતિમય અને આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ ગયું હતું.

આ પ્રસંગે ભાજપ મહામંત્રી કમલેશભાઈ ગજાનંદ, પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ નાયકા, પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, નગરપાલિકાના સદસ્યો, ભાજપના હોદ્દેદારો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને જીવનમાં વ્યસનમુક્તિ, સદાચાર, પવિત્રતા, સકારાત્મક વિચાર અને આધ્યાત્મિક જાગૃતિ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાસૂત્ર દ્વારા સ્વયંમાં રહેલી દિવ્ય શક્તિ અને શ્રેષ્ઠ સંકલ્પોને જાગૃત કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.
આ અવસરે કનુભાઈ દેસાઈને માઉન્ટ આબુ હેડક્વાર્ટર ખાતે યોજાનારી ગ્લોબલ સમિટ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
“પવિત્રતાની પ્રતિજ્ઞાનું યાદગાર પર્વ — એટલે રક્ષાબંધન” એવા આધ્યાત્મિક સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પવિત્રતા, શાંતિ, સ્નેહ અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.










