“બાપુ, તમને કોઈ માણસ ભીમરાણા લાવ્યું નહોતું… સાક્ષાત આઈ શ્રી મોગલ માંએ સાદ કરીને બોલાવ્યા હતા” — શિષ્ય જગદીશ નાગજીભાઈ સુંબડ

ભીમરાણા મોગલધામ: ચારણી શક્તિપીઠ ભીમરાણા મોગલધામના બ્રહ્મલીન મહંત શ્રી ઘનશ્યામગીરીબાપુની દ્વિતીય નિર્વાણતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે બાપુની સ્મૃતિમાં ભક્તો અને અનુયાયીઓ દ્વારા તેમને યાદ કરવામાં આવી રહ્યા છે.
મહંત શ્રી ઘનશ્યામગીરીબાપુએ ભીમરાણા ખાતે આધ્યાત્મિક સાધના, સેવા અને આઈ શ્રી મોગલ માતાજીની ભક્તિ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી હતી. તેમના શિષ્યો અને અનુયાયીઓ આજે પણ બાપુની વાણી, સાધના અને સેવાભાવને યાદ કરે છે.
બાપુના શિષ્ય જગદીશ નાગજીભાઈ સુંબડ ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહે છે કે, “બાપુ, આપને કોઈ માણસ ભીમરાણા લાવ્યું નહોતું… તમને તો સાક્ષાત આઈ શ્રી મોગલ માંએ સાદ કરીને બોલાવ્યા હતા.”
તેમણે વધુમાં જણાવ્યું કે, જેમ માતા પોતાના દીકરાને ખોળામાં બોલાવે તેમ આઈ શ્રી મોગલે બાપુને આ ઉજ્જડ રણમાં ધામને ધમધમતું કરવા માટે બોલાવ્યા હતા. બાપુએ ભીમરાણાની ધરતી પર પગ મૂક્યા બાદ આ સ્થળે ચારણી શક્તિપીઠ – ભીમરાણા મોગલધામ તરીકે આગવી ધાર્મિક ઓળખ ઊભી થઈ.
શિષ્યના જણાવ્યા મુજબ, શ્રાવણ સુદ પૂનમ, તા. 19 ઓગસ્ટ 2024ના રોજ મહંત શ્રી ઘનશ્યામગીરીબાપુ દેહત્યાગ કરીને બ્રહ્મલીન થયા હતા. જોકે તેમના અનુયાયીઓ માટે બાપુ આજે પણ તેમની યાદો, વાણી અને આશીર્વાદના સ્વરૂપે જીવંત છે.
બાપુએ ચારણ કુળમાં જન્મ લઈને માત્ર ચારણ સમાજનું જ નહીં, પરંતુ ભક્તિ અને ગુરુ-માતાજી પ્રત્યેની નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું તેમના શિષ્યોનું માનવું છે. તેમની સાધના, સેવા, સરળ સ્વભાવ અને નિખાલસ હાસ્ય આજે પણ ભક્તોના સ્મરણમાં છે.
દ્વિતીય નિર્વાણતિથિ નિમિત્તે ભક્તોએ બાપુના દિવ્ય ચરણોમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આઈ શ્રી મોગલ માતાજીને પ્રાર્થના કરી હતી કે ભીમરાણા મોગલધામની ધજા હંમેશા લહેરાતી રહે અને બાપુના આશીર્વાદ સૌના માથે બની રહે.
“પરમ કૃપાળુ આઈ શ્રી મોગલ માતાજીએ આપના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં અખંડ સ્થાન આપ્યું છે. આપ મહાન પુણ્યશાળી છો.”
ૐ શાંતિ… શાંતિ… શાંતિ…






