ચીમનીમાંથી પીળાશવાળો ધુમાડો નીકળતો કેમેરામાં કેદ; સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો આક્ષેપ, GPCB-CPCB પાસે તાત્કાલિક તપાસની માંગ

વાપી: વાપી GIDC ફેઝ-3માંથી સામે આવેલા કેટલાક વીડિયો અને તસવીરોએ ઔદ્યોગિક પ્રદૂષણ અંગે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાત્રિના અંધારામાં કેમિકલ ઉદ્યોગ વિસ્તારની એક ચીમનીમાંથી પીળાશ/ભૂરાશવાળો ધુમાડો અથવા ગેસ વાતાવરણમાં ફેલાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મળેલા વીડિયોમાં અંધારામાં ચીમનીમાંથી નીકળતો ધુમાડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અલગ-અલગ સમયે કરવામાં આવેલા રેકોર્ડિંગમાં પણ આ પ્રકારનું ઉત્સર્જન દેખાતું હોવાનું જણાય છે.
તસવીરોમાં સ્થળ નજીક “PLOT NO. 2807 TO 2604” લખેલું દિશાસૂચક બોર્ડ પણ જોવા મળે છે. જાહેર ઉપલબ્ધ રેકોર્ડ મુજબ Phase-IIIના આ વિસ્તારના પ્લોટોમાં અનેક કેમિકલ યુનિટો આવેલી છે. જાહેર કંપની રેકોર્ડ મુજબ Apurva Chemicals Pvt. Ltd.નું ફેક્ટરી સરનામું Plot No. 2806, 2807/1, 3rd Phase GIDC, Vapi દર્શાવવામાં આવ્યું છે.
પરંતુ આ વીડિયોમાં દેખાતો ઉત્સર્જન ચોક્કસ કઈ કંપનીની ચીમનીમાંથી થઈ રહ્યો છે અને તે ગેસ ખરેખર બ્રોમિન છે કે અન્ય કોઈ કેમિકલ—તે અંગે સત્તાવાર પુષ્ટિ હજુ જરૂરી છે.
બ્રોમિન અત્યંત ઇરિટન્ટ અને જોખમી રસાયણ છે. અમેરિકાની CDCની તાજેતરની માહિતી મુજબ બ્રોમિન ગેસ શ્વાસમાં જવાથી આંખ-નાક-ગળામાં બળતરા, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય ગંભીર અસર થઈ શકે છે.
વાપી GIDCમાં અગાઉ પણ પર્યાવરણીય નિયમોના ભંગ અંગે કાર્યવાહી અને NGT સમક્ષના કેસો નોંધાયા છે. 2019ના CPCB/NGT રેકોર્ડમાં Phase-IIIની Jayshiv Chemicals, Plot 2807/2 સહિતની યુનિટો સામે પર્યાવરણીય અનુપાલન અંગે કાર્યવાહીનો ઉલ્લેખ જોવા મળે છે.
આથી હાલ સૌથી મોટો સવાલ એ છે કે— શું રાત્રિના સમયે ઔદ્યોગિક યુનિટોમાંથી થતું ઉત્સર્જન નિયમિત રીતે મોનિટર થાય છે? શું GPCBએ આ સ્થળનું અચાનક રાત્રિ નિરીક્ષણ કર્યું છે?
જો આ ગેસ ખરેખર બ્રોમિન અથવા અન્ય ઝેરી કેમિકલ હોવાનું સાબિત થાય છે તો સ્થાનિક રહેવાસીઓના સ્વાસ્થ્યની જવાબદારી કોની?
CPCBની માહિતી મુજબ ઔદ્યોગિક ગેસીય ઉત્સર્જનનું નિયંત્રણ મુખ્યત્વે State Pollution Control Boards દ્વારા કરવામાં આવે છે અને નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવાની સત્તા પણ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે છે.
આ સમગ્ર મામલે GPCBએ સ્થળ પર તાત્કાલિક રાત્રિ તપાસ કરી, ચીમનીમાંથી સ્ટેક સેમ્પલ તથા આસપાસના વિસ્તારમાં ambient air samples લઈ લેબોરેટરીમાં તપાસ કરવી જોઈએ. ત્યારબાદ જ બહાર આવી શકે કે વીડિયોમાં દેખાતો ધુમાડો કયો કેમિકલ છે અને તેનું ઉત્સર્જન મંજૂર મર્યાદામાં છે કે નહીં.
વીડિયો સામે આવ્યો છે—હવે તંત્રની તપાસ અને રિપોર્ટની રાહ છે.






