જિલ્લા કક્ષાની SGFI બીચ વોલીબોલ સ્પર્ધામાં અંડર-14 છોકરાઓ અને છોકરીઓની ટીમે મેળવ્યું પ્રથમ સ્થાન, અંડર-19 છોકરીઓની ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યું

વાપી: વાપીની શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની SGFI બીચ વોલીબોલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી શાળાનું નામ ગૌરવવંતું કર્યું છે.

25 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાની અંડર-14 છોકરીઓ અને અંડર-14 છોકરાઓની ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. બંને ટીમોએ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે.

અંડર-14 છોકરીઓની ટીમમાં અદિતિ શર્મા, જિયા ભાનુશાલી અને વૈભવી સિંગનો સમાવેશ થાય છે. જ્યારે અંડર-14 છોકરાઓની ટીમમાં યશ પ્રતાપ સિંગ, સુશાંત સિંગ અને અંશ પવારએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.

આ ઉપરાંત અંડર-19 છોકરીઓની ટીમે પણ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ટીમમાં પરિધી પાટીલ, અંકિતા માલી અને સુમન યાદવનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ ખેલાડીઓના મહેનત, સમર્પણ અને ખેલદિલીને બિરદાવવામાં આવી હતી. રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થયેલા ખેલાડીઓને આગામી તબક્કા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન એ.કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા, શાળાના આચાર્ય બીન્ની પોલ તથા શાળાના સ્ટાફે તમામ વિજેતા અને પ્રતિભાગી વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતા.
શાળા પરિવારે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ આ જ રીતે મહેનત અને સમર્પણ સાથે સફળતાના નવા શિખરો સર કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.






