વલસાડ: વલસાડ કલેક્ટર કચેરી ખાતે પત્રકારો દ્વારા કરવામાં આવેલા ધરણાંને લઈને હવે ઘટનાક્રમની બીજી બાજુ પણ સામે આવી રહી છે.
સરકારી વિભાગમાંથી મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં કલેક્ટર નીતિન સાંગવાન સર્કિટ હાઉસ ખાતે ગયા ત્યારે ત્યાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો અંગે તેમણે મેનેજર પાસેથી માહિતી મેળવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પૈકી કેટલાક વાહનો પત્રકારોના હોવાનું અને વારંવાર આ રીતે પાર્કિંગ થતું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વાહનો હટાવવાની સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન સર્કિટ હાઉસની કેન્ટિનના ભોજન અંગે પણ કલેક્ટરે નારાજગી વ્યક્ત કરી હતી. ભોજન ગુણવત્તાવિહોણું લાગતાં કેન્ટિન સંચાલક અને મેનેજરને ઠપકો આપ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કેન્ટિન સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે. કેન્ટિન છેલ્લા કેટલાક દિવસથી બંધ હોવાનું પણ જાણવા મળે છે.
સાથે જ સર્કિટ હાઉસમાં કામ વગર ભેગા ન થવા પત્રકારોને તાકીદ કરવામાં આવી હતી. આ બાબતને લઈને પત્રકારોમાં નારાજગી ફેલાઈ અને 3 સપ્ટેમ્બરે તેઓ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા. રામધુન સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. બાદમાં પત્રકારોના ધરણાંને ટેકો આપવા વિવિધ તમામ મંડળોની હોડ જામી હોવાનું જાણવાં મળ્યું હતું. હવે એમને ક્યાં કારણોસર ટેકો આપવા દોડી આવ્યા તે પણ એક રહસ્ય છે
પત્રકારોએ કલેક્ટરને રૂબરૂ મળવાની માંગ કરી હતી. જોકે, કલેક્ટર નીચે આવ્યા નહોતા અને પ્રતિનિધિમંડળને મુલાકાત માટે બોલાવવામાં આવ્યું હતું. પત્રકારોનું પ્રતિનિધિમંડળ કલેક્ટરને મળ્યા બાદ પરત ફર્યું, પરંતુ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ કે સમાધાન સામે આવ્યું નહીં. લગભગ ચારથી પાંચ કલાક બાદ ધરણાં સમેટાઈ ગયા.
આ સમગ્ર ઘટનામાં એક રસપ્રદ સવાલ પણ ઊભો થયો છે. અગાઉ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને બિન-પત્રકારોને લઈને વાંધો ઉઠાવનારા પત્રકારોના આ ધરણાંનું મુખ્ય કવરેજ હવે Instagram અને YouTube જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ જોવા મળ્યું છે. કોઈ મોટા અખબાર કે ટીવી ચેનલમાં આ મુદ્દાને ખાસ સ્થાન મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, આ માત્ર પત્રકારોની નારાજગી હતી કે પછી સર્કિટ હાઉસમાં થયેલી વહીવટી કાર્યવાહી સામેનો પ્રતિકાર? સમગ્ર મામલે સત્તાવાર રીતે કલેક્ટર તંત્ર અને પત્રકાર સંગઠનોનું વલણ સ્પષ્ટ થાય ત્યાર બાદ જ તસવીર વધુ સ્પષ્ટ બનશે.







