વાપી: વાપી એસટી ડેપો ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ ડ્રાઇવર અને પાંચ કંડક્ટરોનો સન્માન સમારંભ યોજાયો હતો. ડેપોની આવક વધારવામાં તેમજ ડીઝલની બચતમાં મહત્વની ભૂમિકા ભજવનાર કર્મચારીઓને પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સન્માનિત થનાર પાંચ કંડક્ટરોમાં બે મહિલા કંડક્ટરનો પણ સમાવેશ થાય છે. જ્યારે પાંચ ડ્રાઇવરોએ ડીઝલ બચત તેમજ કામગીરીના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવા બદલ સન્માન મેળવ્યું હતું.

સમારંભ દરમિયાન વાપી ડેપો મેનેજર જયદીપ માંહલા, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ, ટ્રાફિક ઇન્સ્પેક્ટર દિનેશભાઈ તથા હેડ મિકેનિકલ મુકેશભાઈ સહિતના અધિકારીઓ દ્વારા તમામ ડ્રાઇવર-કંડક્ટરોને પુષ્પગુચ્છ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડેપો મેનેજર જયદીપ માંહલાએ જણાવ્યું હતું કે, હવે દર વર્ષે આવકની દૃષ્ટિએ શ્રેષ્ઠ કામગીરી કરનાર ડ્રાઇવર-કંડક્ટર તેમજ ડીઝલ બચતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરવામાં આવશે.

એસટી કર્મચારીઓમાં કામગીરી પ્રત્યેનો ઉત્સાહ વધે અને મુસાફરોને વધુ સારી સેવા મળી રહે તે દિશામાં આવા સન્માન કાર્યક્રમો પ્રોત્સાહક બની શકે છે.













