ત્રણ વર્ષ પહેલાં રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમો આજે પણ માત્ર સૂચના સુધી? વાપી મનપાની બેઠક બાદ અનેક સવાલો

વાપી:
વાપી મહાનગરપાલિકામાં પશુ માલિકો સાથે મ્યુનિસિપલ કમિશનર એન. એફ. ચૌધરી (IAS)ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને પશુઓને જાહેર માર્ગો પર રખડતા ન મૂકવા, લાયસન્સ-નોંધણી કરાવવા, ટેગિંગ કરાવવા સહિતની અનેક સૂચનાઓ આપવામાં આવી. મનપાની પ્રેસનોટ વાંચીએ તો શહેરની સલામતી, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા માટે મહત્વની બેઠક હોવાનું જણાય છે.
પરંતુ સવાલ એ છે કે આમાંથી કેટલા નિયમો વાપીમાં ખરેખર અમલમાં છે? કારણ કે રાજ્ય સરકારે ઓગસ્ટ 2023માં જ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પશુઓની ફરજિયાત નોંધણી, લાયસન્સ-પરમિટ અને ઓળખ માટે ટેગ/RFID સહિતની વ્યવસ્થા અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. નિયમોનું ઉલ્લંઘન થાય તો પશુ જપ્ત કરવાની સાથે દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી.
માર્ગદર્શિકા મુજબ પશુ દીઠ નોંધણી, લાયસન્સ અને પરમિટની વ્યવસ્થા તથા રખડતા પશુ માટે ₹1,000થી ₹10,000 સુધીના દંડની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજી વખત પશુ પકડાય તો વધુ દંડની જોગવાઈ પણ દર્શાવવામાં આવી હતી.
તો હવે વાપી મનપાની બેઠક બાદ સૌથી મોટો સવાલ એ છે કે— વાપી શહેરમાં અત્યાર સુધી કેટલાં પશુઓનું રજિસ્ટ્રેશન થયું?
કેટલાં પશુઓને ટેગ/RFID લગાવવામાં આવ્યા?
કેટલાં લાયસન્સ અને પરમિટ ઇશ્યૂ થયા?
રખડતા પશુઓ સામે અત્યાર સુધી કેટલા કેસ થયા?
કેટલા પશુ માલિકો પાસેથી દંડ વસૂલાયો?
અને કેટલાં પશુઓ જપ્ત કરવામાં આવ્યા? મનપાની પ્રેસનોટમાં આ પૈકી કોઈ આંકડો આપવામાં આવ્યો નથી.
ઉલટું, પ્રેસનોટમાં “સૂચના આપવામાં આવી”, “માર્ગદર્શન આપવામાં આવ્યું”, “સહકાર આપવા અપીલ કરવામાં આવી” જેવા શબ્દો વારંવાર આવે છે. પરંતુ નિયમોનું પાલન ન કરનાર સામે ક્યારે અને કેટલી કડક કાર્યવાહી થશે તેની સમયમર્યાદા કે કાર્યવાહીનો આંકડો આપવામાં આવ્યો નથી.
ત્રણ વર્ષ પછી ફરી બેઠક કેમ?
જો 2023થી જ નોંધણી, લાયસન્સ અને ટેગિંગની વ્યવસ્થા અંગે રાજ્યસ્તરે માર્ગદર્શિકા છે, તો 2026માં વાપી મનપાએ આ વ્યવસ્થાનો અમલ કેટલો કર્યો છે તે જાહેર કરવું વધુ મહત્વનું બની જાય છે.
ખાસ કરીને વાપી હવે મહાનગરપાલિકા બની ચૂક્યું છે અને મનપાની સત્તાવાર વેબસાઇટ પણ સક્રિય છે. આથી પશુ માલિકોને નિયમો સમજાવવાની સાથે મનપાએ પોતાનો પરફોર્મન્સ રિપોર્ટ પણ જાહેર કરવો જોઈએ, એવી માંગ ઉઠે તે સ્વાભાવિક છે.
બેઠકમાં પશુ માલિકોના સવાલો શું હતા?
પ્રેસનોટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પશુ માલિકોએ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. પરંતુ કયા પ્રશ્નો રજૂ થયા અને મનપાએ તેના શું જવાબ આપ્યા તેની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી.
આથી બેઠકની પારદર્શિતા અંગે પણ સવાલ ઊભો થાય છે.
હવે મનપાએ આ 7 આંકડા જાહેર કરવા જોઈએ
વાપી શહેરમાં નોંધાયેલા કુલ પશુઓની સંખ્યા
લાયસન્સ/પરમિટ ધરાવતા પશુઓની સંખ્યા
ટેગ/RFID કરાયેલા પશુઓની સંખ્યા
2023થી અત્યાર સુધી પકડાયેલા રખડતા પશુઓની સંખ્યા
પશુ માલિકો પાસેથી વસૂલાયેલ કુલ દંડ
નિયમભંગ બદલ કરવામાં આવેલી કાયદેસરની કાર્યવાહી
હાલ રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે મનપાની ટીમ અને વ્યવસ્થા
મુદ્દો પશુ માલિકોને નિયમો સમજાવવાનો નથી; મુદ્દો એ છે કે ત્રણ વર્ષથી અમલમાં રહેલા નિયમો વાપીમાં કેટલા અમલમાં આવ્યા?
વાપી મહાનગરપાલિકાની બેઠક બાદ હવે નાગરિકો માટે સાચી માહિતી પ્રેસનોટ નહીં, પરંતુ આંકડાઓમાં અપેક્ષિત છે.










