
સલવાવ, વાપી: સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે નિર્માણ કરાવેલા છ મુખ્ય મંદિરો પૈકીના એક એવા ધોલેરા મંદિરને આગામી ડિસેમ્બર માસમાં ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે યોજાનાર દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા શ્રી મદનમોહનજી મહારાજનો રથ વિવિધ સ્થળોએ પરિભ્રમણ કરી રહ્યો છે.

આ અંતર્ગત ધોલેરા મંદિર દ્વિશતાબ્દી મહોત્સવના આમંત્રણાર્થે રથનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ, વાપી ખાતે ભવ્ય અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુરુકુળના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય હરિ સ્વામી, ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા, મનસુખભાઈ ગોંડલિયા તેમજ આચાર્યગણ દ્વારા પુષ્પવર્ષા કરીને રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી મદનમોહનજી મહારાજના રથનું પૂજન તથા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને સંતોની ઉપસ્થિતિમાં ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેના પગલે સમગ્ર ગુરુકુળ પરિસરમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.

ગુરુકુળ ખાતે કરવામાં આવેલા ભવ્ય સ્વાગતથી પધારેલા સંતો-ભક્તો પણ અભિભૂત થયા હતા. આ પ્રસંગે તેમણે ધોલેરા મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં હરિભક્તો તથા ભાવિકોને સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

ધોલેરા મંદિરના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને ભવ્ય રીતે ઉજવવા માટે વિવિધ સ્થળોએ રથયાત્રા દ્વારા મહોત્સવનું આમંત્રણ પહોંચાડવામાં આવી રહ્યું છે.






