DISH અને VIAના સંયુક્ત ઉપક્રમે OSHWC Code, 2020 અંગે માર્ગદર્શન; ઉદ્યોગકારોના કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ

વાપી: વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ (DISH)ના સહયોગથી વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે નવા શ્રમ કાયદા ‘The Occupational Safety, Health and Working Conditions Code, 2020’ અંગે વિશેષ માહિતી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
કનુ દેસાઈ VIA ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના ગાન સાથે કરવામાં આવી હતી.

સત્રના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વલસાડના ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર એમ. સી. ગોહિલે ઔદ્યોગિક એકમોમાં સલામતીના કાયદાનું પાલન, શ્રમિકોના આરોગ્ય અને સુરક્ષિત કાર્યસ્થળના નિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે Occupational Safety, Health and Working Conditions Code, 2020ની વિવિધ જોગવાઈઓ અને તેના વ્યવહારુ અમલ અંગે ઉદ્યોગકારો તથા સેફ્ટી અને HR વિભાગના પ્રતિનિધિઓને માહિતી આપી હતી. નવા કાયદાના યોગ્ય અમલથી ઉદ્યોગો તેમજ કામદારો બંને માટે સલામતી અને કાર્યસ્થળની વ્યવસ્થામાં કેવી રીતે સુધારો થઈ શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
માહિતી સત્ર બાદ ઉદ્યોગકારો દ્વારા કાયદાની જોગવાઈઓ અને તેના અમલને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. એમ. સી. ગોહિલ તથા DISHની ટીમે પ્રશ્નોના જવાબ આપી જરૂરી સ્પષ્ટતા કરી હતી.
કાર્યક્રમમાં VIAના પ્રમુખ સતીષભાઈ પટેલ, ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, માનદ મંત્રી કલ્પેશભાઈ વોરા, ખજાનચી રાજુલભાઈ શાહ, સહ માનદમંત્રી ચંદ્રેશભાઈ મારું, VIAના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા સહિત એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ પટેલ તેમજ DISHના અધિકારીઓમાં વી. વી. ચૌહાણ, ડી. વી. ડામોર, એસ. એચ. પટેલ, જી. બી. કાવડ અને વી. જે. વસાવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વલસાડ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, સેફ્ટી હેડ્સ અને HR મેનેજર્સ પણ સત્રમાં જોડાયા હતા.
કાર્યક્રમના અંતે VIAના અગ્રણીઓએ એમ. સી. ગોહિલ તથા DISHની ટીમનો ઉપયોગી માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.






