જ્યોતિ ગઢવી અને દિવ્યા દાસ VNSGU, સુરતનું રાષ્ટ્રીય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

વાપી: વાપીની ચણોદ કોલોની સ્થિત KBS એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજની બે પ્રતિભાશાળી મહિલા ચેસ ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની ‘ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી ચેસ (મહિલા) ચેમ્પિયનશિપ’ માટે પસંદગી થઈ છે.
કોલેજની જ્યોતિ ગઢવી (M.Com. ભાગ-૨) અને દિવ્યા દાસ (F.Y.B.Com.) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતનું પ્રતિનિધિત્વ કરશે. બંને ખેલાડીઓ રાજસ્થાન સ્થિત JJT યુનિવર્સિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ચેસ ચેમ્પિયનશિપમાં યુનિવર્સિટી ટીમ તરફથી ભાગ લેશે.
બંને વિદ્યાર્થીનીઓની આ પસંદગી કોલેજ તેમજ તેમના પરિવાર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. તેમની સફળતા ચેસ રમત પ્રત્યેની નિષ્ઠા, સખત મહેનત અને સતત અભ્યાસનું પરિણામ હોવાનું કોલેજ પરિવાર દ્વારા જણાવાયું હતું.
જ્યોતિ ગઢવી અને દિવ્યા દાસને ચેસની તાલીમ તથા જરૂરી માર્ગદર્શન રમત-ગમતના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ તથા રમતના સહાયક શ્રી રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું.
બંને ખેલાડીઓની પસંદગી બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ, મેનેજમેન્ટ, અધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આગામી રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં બંને ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






