--Advertisement here--

ભુજમાં ફોકિઆ અને અદાણીના સહયોગથી બે દિવસીય ટુર્નામેન્ટ સંપન્ન; 15 પ્રતિષ્ઠિત સંસ્થાઓની 33 ટીમોના 190 જેટલા ખેલાડીઓએ લીધો ભાગ

On: September 19, 2026 8:18 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ-2026માં ઓફિસર્સ ક્લબ-1 અને ગુજરાત સચિવાલય ગાંધીનગર ચેમ્પિયન

ભુજ, તા. 14: ભુજના ઓફિસર્સ ક્લબના યજમાનપદે અને ફોકિઆ (FOKIA)ના સહયોગથી આયોજિત બે દિવસીય ‘ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ-2026’ ટુર્નામેન્ટનું શાનદાર સમાપન થયું હતું. રાજ્યભરની 15 પ્રતિષ્ઠિત ઔદ્યોગિક અને સંસ્થાકીય ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ 33 ટીમોના આશરે 190 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 24 પુરુષ અને 9 મહિલા ટીમોનો સમાવેશ થયો હતો.

પુરુષ વિભાગમાં ઓફિસર્સ ક્લબ-1 વિજેતા બન્યું હતું, જ્યારે GUVNL વડોદરા રનર્સ-અપ રહ્યું હતું. મહિલા વિભાગમાં ગુજરાત સચિવાલય ગાંધીનગરની ટીમે વિજેતા ટ્રોફી હાંસલ કરી હતી, જ્યારે GSECL બરોડા રનર્સ-અપ રહી હતી.

ફોકિઆનાં સિનિયર એક્ઝિક્યુટિવ શિવાની ભગતે જણાવ્યું હતું કે કચ્છ અને ગુજરાતના કોર્પોરેટ વર્કફોર્સમાં રમત-ગમત દ્વારા ફિટનેસ અંગે જાગૃતિ વધે, જીતવાની ભાવનાને પ્રોત્સાહન મળે તેમજ એક્ઝિક્યુટિવ્સ વચ્ચે સ્પોર્ટ્સના માધ્યમથી નેટવર્કિંગ અને ખેલદિલીની ભાવના મજબૂત બને તે હેતુથી ફોકિઆ દ્વારા ટુર્નામેન્ટની સાતમી એડિશનને સહયોગ આપવામાં આવ્યો હતો.

ટુર્નામેન્ટમાં ONGC (અમદાવાદ અને અંકલેશ્વર), KRIBHCO (સુરત), GNFC (ભરૂચ), સન ફાર્મા (વડોદરા), ગુજરાત સચિવાલય (ગાંધીનગર), GUVNL, GETCO, GSECL (વડોદરા), PGVCLના વિવિધ કેન્દ્રો, અદાણી (મુંદ્રા), દીનદયાલ પોર્ટ ઓથોરિટી (કંડલા), DP વર્લ્ડ (મુંદ્રા), એગ્રોસેલ (ભુજ), આશાપુરા ગ્રુપ (ભુજ), વેલસ્પન (અંજાર) અને DGVCL (સુરત) સહિતની ટીમોએ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટ અદાણી ગ્રુપ દ્વારા પાવર્ડ, જ્યારે દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા અને વેલસ્પન ગ્રુપ દ્વારા કો-પાવર્ડ હતી. આશાપુરા ગ્રુપ અને એગ્રોસેલ એસોસિએટ સ્પોન્સર તરીકે જોડાયા હતા.

સ્પર્ધાનું આયોજન ભુજના ઓફિસર્સ ક્લબ, જૂના ઉમેદનગર તથા સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માધાપર ખાતે કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સમારોહમાં ફેમિલી કોર્ટ ભુજના પ્રિન્સિપાલ જજ શ્રી જે.એ. ઠક્કર, અદાણીના એસોસિએટ જનરલ મેનેજર શ્રી જૈનિલ પુરોહિત, આશાપુરા પર્ફોકલેના HR હેડ શ્રી ડી.એસ. ત્રિપાઠી, DPAના ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી રાજેશ સિંહ, કચ્છ ક્રોપ સર્વિસીસ પ્રા. લિ.નાં પરિણીતા ગોહિલ, એકોર્ડ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. જ્ઞાનેશ્વર રાવ, DP વર્લ્ડના સિનિયર મેનેજર HR શ્રી શિવભદ્રસિંહ જાડેજા, વેલસ્પનના AGM શ્રી મેહુલ મીઠાવાલા, ઓફિસર્સ ક્લબના શ્રી ભરત હાથી, શ્રી બી.ડી. પ્રજાપતિ અને ડૉ. દીપક સુથાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાપન સમારોહમાં ઓફિસર્સ ક્લબના શ્રી અરુણ જૈન અને ડૉ. નવુભા સોઢા, ONGCના શ્રી આર.કે. મિશ્રા તથા GUVNLના શ્રી ઉજિત શુક્લા સહિતના મહાનુભાવોએ વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી.

આ પ્રસંગે ONGCના ખેલાડી શ્રી પ્રદીપ પોલ આ વર્ષે નિવૃત્ત થવાના હોવાથી મંચસ્થ મહેમાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં રેફરી તરીકે શ્રી તેહમસ સુરતીએ સેવાઓ આપી હતી.

આયોજનમાં કચ્છના રમતગમત વિભાગના વડા શ્રીમતી જ્યોતિબેન ઠાકુરનો સહયોગ મળ્યો હતો. ઉપરાંત ઓફિસર્સ ક્લબના શ્રી મહિપાલસિંહ ઝાલા, શ્રી ઈરફાન સુમરા, શ્રી નિશાંત પોમલ, શ્રી સતીશ દાવડા, શ્રી મેહુલ પટેલ, શ્રી અજીત યાદવ, શ્રી વિનય દવે અને શ્રી ચેતનભાઈ સહિતના સભ્યોના સહયોગથી ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

ઉદ્ઘાટન અને સમાપન સમારોહનું સંચાલન ડૉ. શ્રુતિ ગળાએ કર્યું હતું, જ્યારે ફોકિઆ વતી શ્રી ઓમ સોની અને શ્રી ભરત બારોટએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!