જમીન પરત લેવાથી લઈને રસ્તા, વીજળી, દરિયાઈ ધોવાણ, જન્મ પ્રમાણપત્રો અને દબાણો સુધીના પ્રશ્નો રજૂ; કલેક્ટર નીતિન સાંગવાને અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી

વલસાડ, તા. 19: વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેક્ટરાલયના સભાખંડમાં મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્યો રમણભાઈ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલે વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરી તેના નિરાકરણની માંગ કરી હતી.
ફણસાની જમીન સરકાર હસ્તક લેવા સૂચના
ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે ફણસા ગામે તળાવવાળી જૂના સર્વે નં. 535 અને 536ની જમીનનો મુદ્દો રજૂ કર્યો હતો. આ જમીન ટાટા એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ટ્રેનિંગ સેન્ટર ફોર ધ બ્લાઇન્ડને ગ્રાન્ટ ન મળે ત્યાં સુધી ઉપયોગ માટે આપવામાં આવી હતી. સંસ્થા ગ્રાન્ટેબલ બન્યા બાદ જમીન ગ્રામ પંચાયતને પરત આપવા રજૂઆત કરવામાં આવી હતી.
ઉમરગામ મામલતદારે જમીન પરત લેવા નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે કલેક્ટર નીતિન સાંગવાને જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને આવી મિલકતોની વિગતો ચકાસી, જરૂરી નોટિસ આપી જમીન સરકાર હસ્તક લેવા સૂચના આપી હતી.
વરસાદી પાણીના ભરાવા અને રસ્તાઓની સમસ્યા
ધારાસભ્ય રમણભાઈ પાટકરે જૂન મહિનામાં જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓ પર પાણી ઓવરટોપિંગ થવા તથા વરસાદી પાણી ભરાવાની સમસ્યા રજૂ કરી હતી.
ફણસા ખાતે કેબો કંપની પાસે, મરોલી-ભીલાડ નેશનલ હાઈવે પર મરોલી ચાર રસ્તા, સરઈ ગામ, માંડા-સનવારપાડા, NH-48 પર ભીલાડ, સાતનાળા, સંજાણ બંદરપાડા તેમજ કનાડુથી પાલી-કરમબેલે માર્ગ પર પાલી ગામે પાણીના નિકાલ અને રસ્તાની સમસ્યાઓ અંગે રજૂઆત થઈ હતી.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતીન પટેલે આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે બોક્સ કલ્વર્ટ અને સંરક્ષણ દિવાલ બનાવવા દરખાસ્તની કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

ડહેલી CHCમાં 180 જેટલા જન્મ પ્રમાણપત્રોનો મુદ્દો
ઉમરગામ તાલુકાના ડહેલી CHCમાં છેલ્લા એક વર્ષથી આશરે 180 જન્મ પ્રમાણપત્રો બાકી હોવાની રજૂઆત પણ બેઠકમાં કરવામાં આવી હતી.
કલેક્ટરે બાકી તમામ જન્મ પ્રમાણપત્રોનો એક અઠવાડિયામાં નિકાલ કરવા સૂચના આપી હતી. સાથે જ કામગીરીમાં વિલંબ કરનાર સામે ખાતાકીય કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.
દરિયાઈ ધોવાણ સામે સંરક્ષણ દિવાલની માંગ
ઉમરગામ તાલુકાના દેહરી, ઉમરગામ, મરોલી, કલગામ અને ફણસા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ધોવાણની સમસ્યા અંગે પણ રજૂઆત થઈ હતી.
દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેરે સંરક્ષણ દિવાલ માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પુનાટ ગામે દર વર્ષે વરસાદી પાણી ભરાતું હોવાના મુદ્દે ત્યાં વસતા લોકો માટે કાયમી ઉકેલ લાવવા ફોરેસ્ટની જમીન ફાળવવાની તથા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં નવી આંગણવાડીઓ બનાવવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
મેઘવાળમાં વીજળીનો પ્રશ્ન; બે મહિનામાં કામ પૂર્ણ કરવાનો દાવો
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ મેઘવાળ ગામે જ્યોતિગ્રામ યોજના હેઠળ નિયમિત વીજળી ન મળતી હોવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો.

DGVCLના અધિક્ષક ઈજનેરે જણાવ્યું હતું કે અછારી ફીડરથી વીજળી આપવામાં આવે છે, જેની લંબાઈ આશરે 57 કિ.મી. છે. તેમાંથી 33.5 કિ.મી. ઓવરહેડ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી પૂર્ણ થઈ હોવાનું તથા 19 કિ.મી. લાઈનને MVCC કોટેડ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. બાકી કામગીરી બે મહિનામાં પૂર્ણ થતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.
NH-56 અને NH-48ની સમસ્યાઓ પણ ઉઠી
વાપી-ધરમપુર નેશનલ હાઈવે-56 પર પેચવર્કની કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાનો મુદ્દો જીતુભાઈ ચૌધરીએ રજૂ કર્યો હતો.
આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ધમડાચી ગામે નવા બનેલા બ્રિજ પાસે રસ્તાની ખરાબ સ્થિતિ તથા કાઠિયાવાડી હોટલ સામે આવેલી આશરે પાંચ ફૂટ ઊંચી દિવાલને કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટરે આ બાબતને ગંભીરતાથી લઈ નેશનલ હાઈવેના અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ચોક્કસ આયોજન કરવા સૂચના આપી હતી.
વલસાડ શહેરમાં દબાણો દૂર કરવાની માંગ
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ શહેરના આઝાદ ચોકથી મસ્જિદ થઈ કોસંબા રોડ, ધોબીતળાવ, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ વિસ્તાર, મહાત્મા ગાંધી રોડ, ધરમપુર રોડ સહિતના જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની રજૂઆત કરી હતી.
નગરપાલિકા અધિકારીએ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હોવાનું તેમજ કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
વરસાદથી અગરિયાઓના મીઠાના પાકને નુકસાન
વલસાડના કાંઠા વિસ્તારમાં દાંડી, ભાગલ, કકવાડી અને ધરાસણા ગામોના અગરિયાઓના મીઠાના પાકને ભારે વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો પણ બેઠકમાં ઉઠ્યો હતો.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરે સ્થળ તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. નુકસાની અંગેની આગળની કાર્યવાહી માટે સંબંધિત મીઠું ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
નુકસાનની વિગતો સાથે ફોટોગ્રાફ્સ, વીડિયો, ગ્રામ પંચાયતનો દાખલો તથા લીઝ રિન્યુઅલની વિગતો રજૂ કરવામાં આવે તો આગળની કાર્યવાહી થઈ શકે તેમ અધિકારીએ જણાવ્યું હતું.
ધરમપુરની રાજી રાજબા કન્યાશાળાના હેરિટેજ જતનનો મુદ્દો
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ધરમપુરની રાજી રાજબા કન્યાશાળા અંગેનો અગાઉનો બાકી પ્રશ્ન રજૂ કર્યો હતો. રાજાશાહીના સમયની ધરોહર ગણાતી આ શાળાની યોગ્ય જાળવણી અને હેરિટેજ તરીકે જતન માટે થયેલી કાર્યવાહી અંગે તેમણે માહિતી માંગી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતે દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર કે.એસ. ડાભીએ કર્યું હતું.






