650 ઉદ્યોગો કે 1,537 એકમો? CETPની જૂની ક્ષમતા અને ડીપ સી પાઇપલાઇનની લંબાઈ અંગે પણ સ્પષ્ટતા જરૂરી!
સરીગામ, વલસાડ | Auranga Times
મંત્રી અર્જુન મોઢવાડિયાની સરીગામ મુલાકાત દરમિયાન પર્યાવરણ અને ઔદ્યોગિક વિકાસ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પરંતુ બેઠક બાદ સરીગામના ઉદ્યોગો, CETPની ક્ષમતા અને દરિયાઈ પાઇપલાઇનની વિગતોમાં એવા તફાવતો સામે આવ્યા છે કે હવે સવાલ થાય છે કે સરીગામમાં ઉદ્યોગો એક છે, તો આંકડાઓ અનેક કેમ?

માહિતી ખાતાની પ્રેસનોટમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના પ્રમુખે આપેલી વિગતો રજૂ કરવામાં આવી હતી. બીજી તરફ, GPCBના અધિકારીએ મંત્રી સમક્ષ રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં અલગ વ્યાપ ધરાવતા આંકડા આપ્યા હતા.

આ અંગે GPCBના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે પોતાના પ્રેઝન્ટેશનના આંકડા સચોટ હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, માહિતી ખાતાના અધિકારીએ તેમની પાસેથી વિગતો માગી નહોતી અને SIAના પ્રમુખે આપેલી માહિતીના આધારે પ્રેસનોટ તૈયાર કરવામાં આવી હતી.

હવે આંકડાઓની ગૂંચવણ સમજવા માટે બંને વિગતો પર નજર કરીએ.
650 ઉદ્યોગો કે 1,537 એકમો?
માહિતી ખાતાની પ્રેસનોટ મુજબ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ આશરે 300 હેક્ટરમાં ફેલાયેલી છે અને તેમાં 650 ઉદ્યોગો કાર્યરત છે. તે પૈકી 200 કેમિકલ ઉદ્યોગો હોવાનું જણાવાયું છે.

બીજી તરફ, GPCBના અધિકારીએ જણાવ્યું હતું કે તેમની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ સરીગામ અને ઉમરગામ GIDC આવે છે, જ્યાં કુલ 1,537 એકમો છે. તેમાં 512 રેડ, 458 ઓરેન્જ અને 567 ગ્રીન કેટેગરીના એકમોનો સમાવેશ થાય છે.
અહીં સ્પષ્ટતા જરૂરી છે કે 650નો આંકડો સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટનો છે, જ્યારે 1,537નો આંકડો સરીગામ અને ઉમરગામ GIDCને આવરી લેતા GPCBના વિભાગીય વિસ્તારનો છે.

એટલે આ બંને આંકડા સીધા વિરોધાભાસી નથી. પરંતુ માહિતી ખાતાની પ્રેસનોટમાં આ તફાવત સ્પષ્ટ કરાયો હોત તો વાચકોને આંકડાઓની ગૂંચવણમાં પડવું ન પડત!
CETPની જૂની ક્ષમતા 15 MLD કે 12.5 MLD?
SIA પ્રમુખના હવાલાથી પ્રેસનોટમાં જણાવાયું છે કે સરીગામ CETP પ્લાન્ટ વર્ષ 2013માં કાર્યરત થયો હતો અને તેની જૂની ક્ષમતા 15 MLD હતી, જે વધારીને 25 MLD કરવામાં આવી છે.
જોકે, ભારત સરકારના પર્યાવરણ મંજૂરીના દસ્તાવેજમાં જૂની ક્ષમતા 12.5 MLDથી વધારીને 25 MLD કર્યાનો ઉલ્લેખ છે.

તો પછી જૂની ક્ષમતા 15 MLD હતી કે 12.5 MLD? આ તફાવતનું કારણ મૂળ મંજૂરીપત્ર અને પ્લાન્ટના રેકોર્ડથી સ્પષ્ટ થવું જોઈએ.
ડીપ સી પાઇપલાઇન: 6.5, 12.5 કે 17.1 કિલોમીટર?
પાઇપલાઇનની લંબાઈ અંગે પણ અલગ-અલગ આંકડા સામે આવ્યા છે.
SIA પ્રમુખના હવાલાથી પ્રેસનોટમાં સમુદ્ર સુધીની ડીપ સી લાઇન 6.5 કિલોમીટરની હોવાનું જણાવાયું છે. GPCB અધિકારીના પ્રેઝન્ટેશનમાં આશરે 12.5 કિલોમીટરની પાઇપલાઇન અને દરિયાની અંદર 5.6 કિલોમીટરના ભાગનો ઉલ્લેખ થયો હતો.

બીજી તરફ, પર્યાવરણ મંજૂરીના સરકારી દસ્તાવેજમાં જમીન પરની પાઇપલાઇન 11.5 કિલોમીટર અને દરિયાની અંદરની પાઇપલાઇન 5.6 કિલોમીટર દર્શાવવામાં આવી છે. બંનેનો સરવાળો આશરે 17.1 કિલોમીટર થાય છે.
હવે સવાલ એ છે કે 6.5 કિલોમીટર કયા ભાગની લંબાઈ છે અને 12.5 કિલોમીટરનો આંકડો કઈ પાઇપલાઇનને લાગુ પડે છે? આ સ્પષ્ટતા માટે મંજૂર નકશો અને વાસ્તવિક બાંધકામના રેકોર્ડની તપાસ જરૂરી છે.
188 CETP સભ્યો સામે 650 ઉદ્યોગો!
GPCBના અધિકારીના જણાવ્યા મુજબ સરીગામ CETP સાથે 188 સભ્યો જોડાયેલા છે, જ્યારે SIA પ્રમુખે સરીગામમાં 650 ઉદ્યોગો કાર્યરત હોવાનું જણાવ્યું છે.
અહીં સવાલ થાય છે કે આ 650 ઉદ્યોગોમાંથી કેટલા CETP સાથે જોડાયેલા છે અને બાકીના ઉદ્યોગો માટે ગંદા પાણીની ટ્રીટમેન્ટની કઈ વ્યવસ્થા છે?
દરેક ઉદ્યોગ CETPનો સભ્ય હોય તે જરૂરી નથી. કેટલાક ઉદ્યોગો પોતાની ETP ધરાવતા હોઈ શકે છે અથવા અન્ય મંજૂર વ્યવસ્થા હેઠળ કામ કરતા હોઈ શકે છે. તેથી ઉદ્યોગવાર યાદી અને ટ્રીટમેન્ટની વ્યવસ્થાની વિગતો મેળવવી જરૂરી છે.
સવાલ ગંભીર છે, આંકડાઓ સ્પષ્ટ હોવા જોઈએ!
સરીગામ અને ઉમરગામનો ઔદ્યોગિક વિસ્તાર રોજગારી અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વનો છે. પરંતુ આ વિકાસ સાથે પર્યાવરણનું રક્ષણ થાય તે માટે ચોક્કસ આંકડા અને પારદર્શક વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે.
650 ઉદ્યોગો, 1,537 એકમો, 188 CETP સભ્યો, 15 MLD, 12.5 MLD અને પાઇપલાઇનની અલગ-અલગ લંબાઈ જેવા આંકડાઓનો સાચો સંદર્ભ સ્પષ્ટ થવો જોઈએ.
કારણ કે સરીગામમાં ઉદ્યોગો એક જ છે, પર્યાવરણ પણ એક જ છે અને દરિયો પણ એક જ છે!
હવે ફક્ત આંકડાઓ વચ્ચે તાલમેલ બેસે અને સત્તાવાર રેકોર્ડમાં આખી તસવીર સ્પષ્ટ થાય, એટલી જ અપેક્ષા!






