--Advertisement here--

રસ્તો પહોળો કરાવવાની બેઠકમાં 11 ડમ્પરો છોડાવવાની રજૂઆત! ધારાસભ્યની દોડધામ પાછળનું કારણ શું?

On: November 22, 2026 1:27 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરત ફ્લાઈંગ સ્ક્વોડે ગેરકાયદે માટી ખનન-વહનના મામલે 11 ડમ્પર અને એક એક્સકેવેટર સીઝ કર્યા હોવાના અહેવાલ વચ્ચે સંકલન સમિતિમાં વાહનો મુક્ત કરાવવાની રજૂઆતથી અનેક સવાલો ઊભા થયા

વલસાડ | ઔરંગા ટાઈમ્સ

સરકારી સંકલન સમિતિની બેઠક પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે કે પછી સીઝ થયેલા વાહનો છોડાવવાની રજૂઆત માટે પણ તેનો ઉપયોગ થઈ શકે? ધરમપુરથી નાનાપોંઢા રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન 11 વાહનો જપ્ત થતાં કામ અટકી ગયું હોવાની રજૂઆત ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કરતાં આ સવાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યએ રજૂઆત કરી હતી કે ધરમપુરથી નાનાપોંઢા રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન 11 વાહનો જપ્ત કરવામાં આવતાં કામગીરી અટકી ગઈ છે. આ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરીને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. જવાબમાં કલેક્ટર નિતિન સાંગવાને દંડનીય કાર્યવાહી કરીને વાહનો મુક્ત કરાશે તેમ જણાવ્યું હતું.

પરંતુ આ રજૂઆતની પૃષ્ઠભૂમિમાં અગાઉ પ્રકાશિત થયેલા એક અહેવાલને જોવામાં આવે તો આખો મામલો વધુ સવાલો ઊભા કરે છે.

ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહી કે રસ્તાના કામમાં અવરોધ?

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ધરમપુર તાલુકાના બારોલિયા ગામના વિસ્તારમાં સુરત ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગેરકાયદે માટી ખનન અને વહન સંદર્ભે હાથ ધરાયેલી તપાસમાં 11 ડમ્પર તથા એક એક્સકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યાં હતાં. અહેવાલમાં આ કાર્યવાહી સુરત ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

અહેવાલમાં એ પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે સ્થાનિક તંત્રની નિયમિત કામગીરી હોવા છતાં સુરતની ફ્લાઈંગ સ્ક્વોડે આવીને કાર્યવાહી શા માટે કરવી પડી? વાહનો કાયદેસર મંજૂરી સાથે માટી વહન કરતા હતા કે નહીં? અને જો પરવાનગી હતી તો કાર્યવાહીનું કારણ શું હતું?

હવે આ જ પ્રકારની કાર્યવાહી સાથે જોડાયેલા 11 વાહનોનો મુદ્દો જિલ્લા સંકલન સમિતિમાં ઉઠતાં સમગ્ર ઘટનાક્રમને લઈને વધુ સ્પષ્ટતાની જરૂર ઊભી થઈ છે.

ડમ્પરોનો ઉપયોગ ક્યાં થતો હતો? આશ્રમના વિકાસકાર્યોની ચર્ચા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સીઝ કરાયેલા ડમ્પરો પૈકીના મોટાભાગના ડમ્પરો ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વિવિધ વિકાસકાર્યોમાં ઉપયોગમાં લેવાતા હોવાની ચર્ચા છે.

જો આ માહિતી સાચી હોય તો કેટલાક મહત્વના સવાલો ઊભા થાય છે. શું આ વાહનો આશ્રમના વિકાસકાર્યો માટે માટીનું પરિવહન કરતા હતા? માટી ક્યાંથી લાવવામાં આવતી હતી? ખનન અને પરિવહન માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી હતી? કયા કોન્ટ્રાક્ટર કે એજન્સી મારફતે આ કામ થતું હતું? અને સીઝ કરાયેલા વાહનોનો રોડ પહોળો કરવાની કામગીરી સાથે સીધો સંબંધ હતો કે નહીં? આ તમામ મુદ્દાઓના જવાબ દસ્તાવેજો અને સત્તાવાર તપાસથી જ મળી શકે તેમ છે.

ધારાસભ્યની રજૂઆતથી શંકા નહીં તો સવાલો તો ઊભા થાય જ!

રસ્તા પહોળા કરવાની કામગીરી અટકી હોય તો તે અંગે રજૂઆત કરવી ધારાસભ્યની જવાબદારીનો ભાગ હોઈ શકે છે. પરંતુ જ્યારે ગેરકાયદે માટી ખનન અને વહનના મામલે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વાહનો સીઝ થયાના અહેવાલ સામે આવ્યા હોય, ત્યારે એ વાહનો મુક્ત કરાવવા માટે જિલ્લા સંકલન સમિતિમાં રજૂઆત થવી સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બને છે.

શું આ વાહનો ખરેખર રોડના કામ માટે જરૂરી હતાં? શું વાહનો સીઝ થવાથી કોઈ સરકારી પ્રોજેક્ટ અટક્યો હતો? કે પછી અન્ય વિકાસકાર્યોમાં વપરાતા વાહનોની મુક્તિ માટે રજૂઆત કરવામાં આવી હતી?

ધારાસભ્યની રજૂઆત પાછળ કોઈ ગેરરીતિ કે સાંઠગાંઠ હોવાનો હાલ કોઈ દસ્તાવેજી પુરાવો સામે નથી. પરંતુ જાહેર પ્રતિનિધિની આવી રજૂઆત બાદ સમગ્ર મામલે પારદર્શક ખુલાસો થવો જરૂરી છે.

  1. સુરત ફ્લાઈંગ સ્ક્વોડે કઈ તારીખે અને કયા કાયદાકીય આધાર હેઠળ 11 ડમ્પર તથા એક એક્સકેવેટર સીઝ કર્યા હતા?
  2. વાહનો સામે ગેરકાયદે માટી ખનન કે વહન અંગે કયા કેસ અથવા કાર્યવાહી નોંધવામાં આવી હતી?
  3. વાહનોના માલિકો કોણ છે અને તેઓ કયા કોન્ટ્રાક્ટર કે એજન્સી સાથે સંકળાયેલા છે?
  4. શું આ વાહનો શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વિકાસકાર્યોમાં ઉપયોગમાં લેવાતા હતા?
  5. વાહનો છોડાવવા માટે દંડની રકમ કેટલી નક્કી કરવામાં આવી અને કાયદેસરની પ્રક્રિયા કઈ છે?
  6. ધરમપુર-નાનાપોંઢા રોડના કામમાં આ વાહનોની વાસ્તવિક ભૂમિકા શું હતી?
  7. જિલ્લા સંકલન સમિતિમાં રજૂઆત બાદ વાહનો મુક્ત કરવાની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી?

જાહેરહિતનો સવાલ એટલો જ છે કે કાયદો સૌ માટે સરખો હોવો જોઈએ. વિકાસકાર્યના નામે કોઈ વાહનને ગેરકાયદે ખનન કે પરિવહનના કેસમાં વિશેષ રાહત મળવી જોઈએ નહીં. જો વાહનો કાયદેસર હતાં તો તેના પુરાવા જાહેર થવા જોઈએ અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી હતી તો નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ.

હવે જોવાનું એ રહેશે કે આ 11 ડમ્પરોનો મામલો માત્ર રસ્તાના કામનો અવરોધ હતો કે પછી તેની પાછળની હકીકત કંઈક અલગ છે!

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!