‘Joy of Giving’ ડ્રાઈવ અંતર્ગત આશ્રયગૃહના રહેવાસીઓને ગુલાબ આપી કર્યું સ્વાગત, રમતો અને સંવાદ દ્વારા વિદ્યાર્થીઓએ વહેંચી ખુશીઓ

વાપી: તહેવારોની સાચી ખુશી માત્ર પોતાની ઉજવણીમાં નહીં, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે આનંદ વહેંચવામાં રહેલી છે. આ જ સંદેશને સાર્થક કરતાં કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીની NSS ટીમ દ્વારા દિવાળીની ઉજવણીના ભાગરૂપે વાપી સ્થિત માનવ સહયોગ મંદિર (આશ્રય ગૃહ) ખાતે ‘Joy of Giving’ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત આશ્રયગૃહના રહેવાસીઓને પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન ગુલાબ અર્પણ કરીને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રહેવાસીઓનું હાર્દિક સ્વાગત કરી તેમની સાથે આત્મીયતાપૂર્ણ વાતાવરણ ઊભું કર્યું હતું.

આ પ્રસંગે NSS પ્રોગ્રામ ઓફિસર દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે દયા, કરુણા, સહાનુભૂતિ અને વહેંચણી જેવી માનવીય ભાવનાઓનું મહત્ત્વ સમજાવી દરેકને સમાજ પ્રત્યે સંવેદનશીલ બનવા પ્રોત્સાહિત કર્યા હતા.

ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ અને આશ્રયગૃહના રહેવાસીઓએ વિવિધ મનોરંજક રમતો તથા પરસ્પર સંવાદની પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓ દરમિયાન હાસ્ય, આનંદ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ રહેવાસીઓ સાથે સમય વિતાવી આત્મીયતાનો અનુભવ પણ કરાવ્યો હતો.

આ ‘Joy of Giving’ ડ્રાઈવનો મુખ્ય હેતુ દિવાળી જેવા પર્વની ખુશીઓ સમાજના તમામ વર્ગો સુધી પહોંચાડવાનો તથા યુવા પેઢીમાં સામાજિક જવાબદારી, સહકાર અને માનવતાની ભાવના વિકસાવવાનો હતો.

આ આયોજન દ્વારા NSS ટીમે એક સુંદર સંદેશ આપ્યો હતો કે તહેવારોની ઉજવણીનું સાચું સૌંદર્ય ભેટ-સોગાદોમાં નહીં, પરંતુ કોઈના ચહેરા પર સ્મિત લાવવામાં અને તેમની સાથે ખુશીઓ વહેંચવામાં રહેલું છે.









