--Advertisement here--

પૂરની પીડા પર ‘PR’નો ખેલ? CSRના નામે કરોડોના ગોટાળાની આશંકા, ઇન્કમટેક્સની નજર હવે સેવાધારીઓ પર!

On: July 29, 2026 3:21 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પુરગ્રસ્ત વિસ્તારોના લોકોને સહાયના નામે CSR ફંડ તફડંચી પર કોની નજર છે? મેનેજમેન્ટ, રાજકારણી કે પછી મેનેજર?

વલસાડ:
વલસાડ જિલ્લામાં વિનાશક વરસાદ અને પૂરના પ્રકોપ બાદ સરકાર દ્વારા કેશડોલ સહિતની વિવિધ રાહત સહાયની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અનેક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો અને ઔદ્યોગિક એકમો પણ રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યા છે. પરંતુ આ માનવસેવાના પડછાયા પાછળ એક ચોંકાવનારો ખેલ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ રાહતકાર્ય કરતાં વધુ પોતાના પ્રચાર અને નાણાકીય લાભ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું પ્રાથમિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં ફોટોશૂટ, વીડિયો અને મોટા દાવાઓ વચ્ચે વાસ્તવમાં થયેલા ખર્ચ અને જાહેર કરાયેલા ખર્ચ વચ્ચે મોટો તફાવત હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

₹20 હજારની સહાય… દસ્તાવેજોમાં લાખો?

સૂત્રોનો દાવો છે કે ક્યાંક ₹20 હજારથી ₹40 હજાર જેટલી સામગ્રીનું વિતરણ કરીને દસ્તાવેજોમાં લાખો રૂપિયાના CSR ખર્ચ દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા છે. કેટલાક કિસ્સાઓમાં એકાદ લાખ રૂપિયાની સહાયને પણ અનેકગણી દર્શાવવાનો પ્રયાસ થયો હોવાની માહિતી તપાસ એજન્સીઓ સુધી પહોંચી હોવાનું કહેવાય છે.

જો આ દાવાઓ સાચા સાબિત થાય તો તે માત્ર CSRના નિયમોનો ભંગ નહીં, પરંતુ કરચોરી અને ખોટા હિસાબ રજૂ કરવા જેવા ગંભીર મુદ્દાઓ ઉભા કરી શકે છે.

CSR કે Corporate Self Promotion?

રાહતકાર્ય દરમિયાન અનેક સ્થળોએ સામગ્રી વિતરણ કરતાં પહેલાં ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને સોશિયલ મીડિયા પોસ્ટિંગને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાની ચર્ચા છે. કેટલાક સેવાકાર્યોમાં લાભાર્થીઓ કરતાં કેમેરા વધુ જોવા મળ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિક સ્તરે સાંભળવા મળી રહ્યા છે.

સામાજિક કાર્યકરોનું માનવું છે કે સાચી સેવા નિઃસ્વાર્થ હોય છે, જ્યારે સેવા કરતાં વધુ પ્રચાર થાય ત્યારે પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થાય છે.

ઇન્કમટેક્સ વિભાગ પણ સતર્ક?

સૂત્રોના જણાવ્યા અનુસાર CSR ખર્ચ, દાન અને રાહતકાર્યના હિસાબો અંગે આવકવેરા વિભાગ સહિત સંબંધિત એજન્સીઓ સતર્ક બની છે. કેટલીક સંસ્થાઓના ખર્ચના દસ્તાવેજો, બિલ, ખરીદી, વિતરણ અને એકાઉન્ટિંગ અંગે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા આગામી સમયમાં તેજ બની શકે છે એવી ચર્ચા છે.

સૂત્રોનું કહેવું છે કે જો ક્યાંય ખર્ચના આંકડા અને વાસ્તવિક કામગીરી વચ્ચે વિસંગતતા જોવા મળશે તો સંબંધિત સંસ્થાઓ પાસેથી સંપૂર્ણ હિસાબ માંગવામાં આવી શકે છે.

સાચા સેવાધારીઓને પણ નુકસાન

સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે થોડાક લોકોના કથિત ગેરવહીવટને કારણે વર્ષોથી નિઃસ્વાર્થ સેવા આપતી સંસ્થાઓની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. તેથી પારદર્શિતા જાળવવી દરેક સંસ્થા માટે જરૂરી બની ગઈ છે.

હવે નજર તપાસ પર…

પૂરગ્રસ્તોની પીડા વચ્ચે સેવા ખરેખર કેટલા હેતુથી થઈ રહી છે અને ક્યાંક તેના નામે નાણાકીય લાભ તો લેવાઈ રહ્યો નથી ને? આ સવાલોના જવાબ હવે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

જો તપાસ એજન્સીઓ સુધી પહોંચેલી પ્રાથમિક માહિતી સાચી સાબિત થશે તો આગામી દિવસોમાં કેટલાક ટ્રસ્ટો, સંસ્થાઓ અને કંપનીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. બીજી તરફ જો આક્ષેપો ખોટા સાબિત થાય તો તે પણ સ્પષ્ટ થઈ જશે.

(નોંધ: આ અહેવાલમાં ઉલ્લેખિત મુદ્દાઓ વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અને સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચાઓ પર આધારિત છે. કોઈપણ કંપની, સંસ્થા અથવા વ્યક્તિ સામે સત્તાવાર રીતે ગેરરીતિ સાબિત થઈ નથી. તપાસ પૂર્ણ થયા બાદ સત્તાવાર હકીકતો સામે આવશે.)

error: Content is protected !!