પૂરગ્રસ્ત ગામો અને ખેતરોની સ્થળ મુલાકાત બાદ પત્રકાર પરિષદમાં મોટી જાહેરાતો; 18 હજાર કેશડોલનું વિતરણ, ₹13 કરોડથી વધુની સહાય, ખેતી-વેપારના નુકસાનનો સર્વે અને ઘાસચારા માટે કલેક્ટરને વિશેષ સત્તા

વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુરુવારે સૌપ્રથમ ઉમરગામ તાલુકાના મોહનગામ ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત વિસ્તારો અને અસરગ્રસ્ત ખેતરોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વલસાડ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી રાહત કામગીરી અને સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે માહિતી આપી હતી.

મોહનગામની મુલાકાત દરમિયાન જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી ખેતીના પાકો અને જમીનને થયેલા નુકસાન અંગે વાસ્તવિક માહિતી મેળવી હતી. તેમણે મોહનગામ નજીકથી પસાર થતી દમણગંગા નદીના વધેલા જળપ્રવાહનું પણ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા, ખેડૂતોના પાક અને જમીનને થયેલા નુકસાનનો સઘન સર્વે હાથ ધરવા તથા સરકારના ધારાધોરણો મુજબ સહાયની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોહનગામની મુલાકાત બાદ વલસાડ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 1968 પછી વલસાડ અને નવસારી જિલ્લામાં આટલો ભારે વરસાદ પ્રથમ વખત નોંધાયો છે, જ્યારે સમગ્ર દેશમાં પણ આ સૌથી વધુ વરસાદની નોંધાયેલી ઘટનાઓમાં ત્રીજા ક્રમે છે. આવી અસાધારણ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર જનતાની સાથે મજબૂત રીતે ઊભી હોવાનું તેમણે જણાવ્યું.
18 હજાર કેશડોલ, ₹13 કરોડથી વધુની સહાય
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જિલ્લામાં 18 હજાર કેશડોલનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કેશડોલ સહાય પેટે અંદાજે ₹3.50 કરોડ, ઘરવખરી અને મકાન નુકસાન સહાય પેટે અંદાજે ₹9.50 કરોડ તથા અન્ય વિવિધ સહાયરૂપે આશરે ₹1.70 લાખ ચૂકવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે કામગીરી સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી હોવાનું જણાવતાં જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, અગાઉ સુરતમાં પૂર બાદ જે ધોરણે સહાય ચૂકવવામાં આવી હતી, તે જ મોડેલ મુજબ હવે વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્તોને પણ સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડૂતો, બગીચા માલિકો અને વેપારીઓને મળશે વળતર
પૂરના કારણે ખેતીવાડી, બાગાયત અને વેપાર ક્ષેત્રને થયેલા નુકસાન અંગે તેમણે જણાવ્યું હતું કે બંને જિલ્લાઓમાં ખેડૂતો, બગીચા માલિકો અને વેપારીઓના નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવશે અને સરકારના નિયમો મુજબ યોગ્ય સહાય આપવામાં આવશે.
પશુઓ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે ઘાસચારા અંગે તાત્કાલિક નિર્ણય લઈ શકાય તે માટે કલેક્ટરને સીધી સત્તા આપવામાં આવશે અને આ અંગેનો સત્તાવાર GR ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આવતીકાલે રેડ એલર્ટ, પછી બે દિવસ ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ત્યારબાદના બે દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ રાખવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.
જીતુભાઈ વાઘાણીએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર વહીવટી તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. પૂર અથવા ભારે વરસાદની સ્થિતિમાં વિલંબ કર્યા વિના સલામત સ્થળે ખસી જવા તથા શાળા-કોલેજો અંગે તંત્ર જે નિર્ણય લે તેનું પાલન કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એનડીઆરએફ, સેનાના જવાનો, પોલીસ, ફાયર બ્રિગેડ અને જિલ્લા વહીવટી તંત્રે સંકલનથી પ્રશંસનીય રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.
અંતમાં તેમણે વલસાડ અને નવસારી જિલ્લાના નાગરિકોના સંયમ અને સહકારની પ્રશંસા કરતાં જણાવ્યું કે સરકાર દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે છે. જનજીવન ઝડપથી ફરી સામાન્ય બને અને કોઈપણ પાત્ર વ્યક્તિ સહાયથી વંચિત ન રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.






