તેજસ્વી તારલાઓનું સન્માન, મહિલાઓના નેતૃત્વ અને સામાજિક યોગદાનને અપાયો પ્રોત્સાહન

શ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડ, ચીખલી અને વાંસદા દ્વારા ઓધવ ભવન, વલસાડ ખાતે મહિલા પ્રેરણા ઉત્સવ અને વાર્ષિક સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજની પ્રતિભાશાળી મહિલાઓ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ખોડલધામના ટ્રસ્ટી અને મહિલા આગેવાન શ્રીમતી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં સફળ થયેલી મહિલાઓએ જીવનમાં અનેક પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ બનાવી છે. સમાજની બહેનો અને દીકરીઓમાં રહેલી પ્રતિભા, નેતૃત્વ ક્ષમતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે મહિલાઓને મળતી સ્વતંત્રતા જવાબદારીપૂર્વક ઉપયોગમાં લેવાય તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમતી ઘીનૈયા કોમલબેને જણાવ્યું કે આજની મહિલાઓ પરિવારની જવાબદારીઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી રહી છે, જેમાં માતાઓનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. તેથી માતાઓના સન્માનને પણ સમાજમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ.

સમારંભ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સફળ મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સન્માનિત મહિલાઓએ પોતાના અનુભવો શેર કરીને ઉપસ્થિત બહેનો અને યુવતીઓને પ્રેરણા આપી હતી.
ટ્રસ્ટી નિકુંજભાઈ કયાડાએ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, કુદરતી આપત્તિ સમયે સહાય કેમ્પ તેમજ મેડિકલ કેમ્પ સહિતની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમમાં વાપી સમાજના પ્રમુખ નાનુભાઈ બાંભરોલીયા સહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી નવરંગબેન સુદાણી અને ઉપસ્થિત મહિલાઓએ સંયુક્ત રીતે કર્યું હતું.





