--Advertisement here--

સરીગામ GIDCના 20 પ્લોટ કેસે રાજકીય ગરમાવો વધાર્યો: શક્તિસિંહ ગોહિલે ED, CBI અને ઈન્કમ ટેક્સ તપાસની કરી માંગ

On: August 5, 2026 9:11 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને GIDCમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને ન્યાયિક તપાસની કોંગ્રેસની માંગ

અમદાવાદ, તા. 5 ઓગસ્ટ: ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સારિગામ GIDCના 20 ઔદ્યોગિક પ્લોટ મામલે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને આધારે ગુજરાત સરકાર અને GIDC સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતાં GIDCના અધિકારીઓના નિર્ણયને “માલાફાઇડ” (બદઈરાદાપૂર્વકનો) ગણાવ્યો છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાના 20 ઔદ્યોગિક પ્લોટ ખેતીની જમીન સામે અદલાબદલી કરવાનો નિર્ણય અગાઉ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો હતો. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં GIDCના અધિકારીઓ અને સામેવાળા વચ્ચે મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ગંભીર નોંધ લીધી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં નોંધ્યું હોવાનું તેમણે જણાવ્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે આ કેસમાં અગાઉ ગુજરાત સરકાર દ્વારા જુના જમીન સંપાદન કાયદા હેઠળ અંદાજે ₹5.85 કરોડ અને નવા કાયદા હેઠળ અંદાજે ₹24.72 કરોડ ઉપરાંત વ્યાજ સહિત વળતર ચૂકવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તે ગણતરીને રદ કરીને માત્ર અંદાજે ₹1.17 કરોડ જેટલું વળતર જ ચૂકવવાપાત્ર હોવાનું સ્પષ્ટ કર્યું છે.

શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે GIDCની સ્થાપના નાના ઉદ્યોગકારો, સ્થાનિક રોજગારી અને સંતુલિત ઔદ્યોગિક વિકાસ માટે થઈ હતી, પરંતુ વર્તમાન સમયમાં તેનો ઉપયોગ પસંદગીના લોકોને લાભ પહોંચાડવા અને ભ્રષ્ટાચાર માટે થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મામલો ગુજરાતમાં ભ્રષ્ટ વહીવટનું મોટું ઉદાહરણ છે.

કોંગ્રેસે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે. તેમાં GIDCના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી, સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ, GIDCની નીતિઓની સમીક્ષા, હરાજી વગર પ્લોટ ફાળવણી અંગે તપાસ તેમજ ED દ્વારા મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

ઉપરાંત GIDCના નિયામક મંડળના સભ્યોની મિલકતોની ED, CBI અને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ કરીને તેનો અહેવાલ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસની પાંચ મુખ્ય માંગણીઓ

GIDCના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

સમગ્ર મામલાની ન્યાયિક કમિશન દ્વારા તપાસ કરાવી તેનો અહેવાલ જાહેર કરવામાં આવે.

હરાજી વગર પ્લોટ ફાળવવાની પ્રક્રિયાની તપાસ કરવામાં આવે.

GIDCની નીતિઓમાં થયેલા ફેરફારોની તપાસ કરવામાં આવે.

ED, CBI અને ઈન્કમ ટેક્સ દ્વારા GIDCના નિયામક મંડળના સભ્યોની મિલકતોની સંયુક્ત તપાસ કરવામાં આવે.

error: Content is protected !!