
ભાવનગર, તા. 15 ઓગસ્ટ 2026: 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ એસ. દોશીનું **“વિશિષ્ટ પ્રતિભા નાગરિક સન્માન”**થી ગૌરવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગરના મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, BMC કમિશનર ડો. એન. કે. મીના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
ડૉ. તેજસ દોશી છેલ્લા અનેક વર્ષોથી ભાવનગરને સ્વચ્છ, સુંદર, હરિયાળું અને પ્લાસ્ટિકમુક્ત શહેર બનાવવાના સંકલ્પ સાથે વિવિધ જનજાગૃતિ અભિયાનો ચલાવી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઈ તેમણે સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્તિ, રિસાયક્લિંગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
તેમના માર્ગદર્શન અને સતત પ્રયાસોથી “50 પ્લાસ્ટિક બેગ સામે 1 કાપડની થેલી”, “Recycle–Reproduce–Reuse”, Eco Brick, કાપડની થેલીનો ઉપયોગ સહિતના વિવિધ અભિયાનોને વ્યાપક જનસમર્થન મળ્યું છે. ખાસ કરીને પ્લાસ્ટિકના પેકેટના નાના ટુકડાઓ નાળીઓ અને ડ્રેનેજમાં જઈને કચરાના અવરોધનું કારણ ન બને તે માટે શરૂ કરાયેલ “Don’t Cut the Corner” અભિયાનને પણ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
ડૉ. દોશી સતત એ સંદેશ આપી રહ્યા છે કે “સ્વચ્છતા માત્ર મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.” નાગરિકો પોતાની રોજિંદી જીવનશૈલીમાં નાના પરંતુ અસરકારક ફેરફારો કરે તો સ્વચ્છ અને પર્યાવરણમિત્ર શહેરનું નિર્માણ શક્ય છે.
આ સન્માન બદલ ડૉ. તેજસ દોશીએ ભાવનગર મહાનગરપાલિકા, પદાધિકારીઓ, અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને ભાવનગરના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન મારા માટે માત્ર પુરસ્કાર નથી, પરંતુ ભાવનગરને વધુ સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે વધુ ઉત્સાહ અને જવાબદારી સાથે કાર્ય કરવાની પ્રેરણા છે.”
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ આ સન્માન સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ માટે સતત કાર્યરત નાગરિક શક્તિના યોગદાનને બિરદાવતું ગૌરવપૂર્ણ સન્માન બની રહ્યું છે.





