150 બેડની નવી હોસ્પિટલ શરૂ કરવાના દાવા વચ્ચે જૂની ચલા રેફરલ હોસ્પિટલના દર્દીઓ, સ્ટાફ અને મશીનરી ખસેડવાની તૈયારી! હોસ્પિટલના તબીબની કબૂલાતથી ઊભા થયા સવાલો કે નવી હોસ્પિટલ ખરેખર નવી આરોગ્યસેવાનો પ્રારંભ છે કે માત્ર જૂની વ્યવસ્થાનું સ્થળાંતર?

વાપી | ઔરંગા ટાઈમ્સ
વાપીને રૂ. 48.22 કરોડના ખર્ચે 150 બેડની આધુનિક સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની ભેટ મળવા જઈ રહી છે. 3 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.
પરંતુ આ ભવ્ય લોકાર્પણના કાર્યક્રમ વચ્ચે એક મહત્ત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે. શું નવી હોસ્પિટલ સંપૂર્ણપણે તૈયાર થઈને આરોગ્યસેવાઓ આપવા સજ્જ છે? કે પછી જૂની ચલા રેફરલ હોસ્પિટલમાં ચાલી રહેલી આરોગ્યસેવાઓને નવી ઇમારતમાં ખસેડીને નવી હોસ્પિટલના લોકાર્પણની ઉજવણી કરવામાં આવી રહી છે?
આ સવાલ માત્ર અનુમાન આધારિત નથી. નવી હોસ્પિટલના એક તબીબ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જ કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો સામે આવી છે.
તબીબના જણાવ્યા અનુસાર, હાલ જૂની ચલા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. નવી હોસ્પિટલમાં સ્ટાફ, મશીનરી અને અન્ય વ્યવસ્થાઓ જૂની હોસ્પિટલમાંથી તબક્કાવાર ખસેડવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે જૂની હોસ્પિટલના દર્દીઓને નવી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા લોકાર્પણ બાદ હાથ ધરવામાં આવશે. દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે ખસેડવાની વિચારણા છે. આ પ્રક્રિયા એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે.
તબીબે સ્પષ્ટ કર્યું હતું કે કેટલીક જરૂરી વસ્તુઓ નવી હોસ્પિટલમાં આવી ગઈ છે, જ્યારે કેટલીક હજુ આવવાની બાકી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે નવી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા શરૂ કરી દીધી છે, પરંતુ જૂની હોસ્પિટલમાં ડિલિવરી સહિતની સેવાઓ ચાલુ હોવાથી દર્દીઓનું સ્થળાંતર કેવી રીતે કરવું તે અંગે હજી વ્યવહારુ આયોજન કરવાનું બાકી છે.
આ વાતચીતનો સાર એટલો છે કે લોકાર્પણના દિવસે નવી હોસ્પિટલનું ભૌતિક ઉદ્ઘાટન થઈ શકે છે, પરંતુ જૂની હોસ્પિટલમાંથી દર્દીઓ અને અન્ય વ્યવસ્થાઓનું સ્થળાંતર તથા સંપૂર્ણ સેવાઓની શરૂઆત હજુ પ્રક્રિયામાં છે.
150 બેડની નવી હોસ્પિટલ કે જૂની 50 બેડની હોસ્પિટલનું સ્થળાંતર?
અહીં સૌથી મહત્ત્વનો મુદ્દો હોસ્પિટલની ક્ષમતાનો છે. જૂની ચલા રેફરલ હોસ્પિટલ 50 બેડની હતી, જ્યારે નવી હોસ્પિટલ 150 બેડની બનાવવામાં આવી છે. એટલે કે નવી હોસ્પિટલમાં 100 વધારાના બેડની ક્ષમતા ઊભી કરવામાં આવી છે.
આ ચોક્કસપણે વાપી અને આસપાસના વિસ્તાર માટે આવકારદાયક બાબત છે. પરંતુ માત્ર બેડની સંખ્યા વધવાથી આરોગ્યસેવાની ક્ષમતા આપોઆપ ત્રણ ગણી થઈ જતી નથી.
તે માટે વધારાના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, નિષ્ણાત તબીબો, મેડિકલ સાધનો, ઓપરેશન થિયેટર, ICU, લેબોરેટરી અને અન્ય જરૂરી સુવિધાઓ પણ કાર્યરત હોવી જરૂરી છે.
જો જૂની હોસ્પિટલનો જ સ્ટાફ, મશીનરી અને દર્દીઓ નવી હોસ્પિટલમાં ખસેડવાના હોય તો નવી ઇમારતની ક્ષમતાનો કેટલો ઉપયોગ થશે અને ખરેખર કેટલી વધારાની આરોગ્યસેવા ઉપલબ્ધ થશે તે જાણવું જરૂરી છે.
લોકાર્પણ પહેલાં સંપૂર્ણ તૈયારી કેમ નહીં?
સામાન્ય રીતે કરોડોના ખર્ચે તૈયાર થતી જાહેર આરોગ્ય સુવિધાનું લોકાર્પણ થાય તે પહેલાં તમામ જરૂરી વ્યવસ્થાઓ, સ્ટાફની નિમણૂક, મશીનરીની ઉપલબ્ધતા, વિભાગોની કાર્યક્ષમતા અને દર્દીઓ માટેની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ.
પરંતુ અહીં વાતચીત પ્રમાણે લોકાર્પણ બાદ દર્દીઓનું સ્થળાંતર કેવી રીતે કરવું તે અંગે પણ અંતિમ આયોજન બાકી હતું.
તો પછી સવાલ એ છે કે હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટેની ઉતાવળ આરોગ્યસેવા સંપૂર્ણ રીતે શરૂ કરવાની તૈયારી કરતાં આગળ નીકળી ગઈ છે?
મુખ્યમંત્રી સમક્ષ રજૂ થવો જોઈએ વાસ્તવિક અહેવાલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાપીની આ નવી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. ત્યારે માત્ર નવી ઇમારતનું લોકાર્પણ નહીં, પરંતુ હોસ્પિટલમાં વાસ્તવિક રીતે કઈ-કઈ સેવાઓ શરૂ થઈ છે તેની પણ સમીક્ષા થવી જોઈએ.
જૂની હોસ્પિટલમાંથી કેટલો સ્ટાફ નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે? કેટલાં ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે? 150 બેડ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ છે? ICU, ઓપરેશન થિયેટર, પ્રસૂતિ વિભાગ, બાળરોગ વિભાગ અને અન્ય મહત્ત્વની સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત છે? આ તમામ બાબતોનો જવાબ જાહેર થવો જોઈએ.
કારણ કે નવી ઇમારત ઊભી થવી એ વિકાસનો એક ભાગ છે, પરંતુ તેમાં વધારાની અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા ઉપલબ્ધ થવી એ જ વિકાસની સાચી કસોટી છે.
વાપીવાસીઓને નવી ઇમારત નહીં, નવી આરોગ્યસેવાની અપેક્ષા!
રૂ. 48.22 કરોડનો ખર્ચ કરીને 150 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે તે વાપી માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. પરંતુ જો જૂની 50 બેડની હોસ્પિટલની જ વ્યવસ્થા નવી ઇમારતમાં ખસેડીને તેને નવી આરોગ્યસેવાની ભેટ તરીકે રજૂ કરવામાં આવે તો વધારાની સુવિધાઓ અંગેનો સવાલ તો ઊભો થવાનો જ છે.
નવી હોસ્પિટલનું લોકાર્પણ ચોક્કસ આવકાર્ય છે, પરંતુ વાપીવાસીઓ જાણવા માગે છે કે તેમને ખરેખર કેટલા નવા ડોક્ટરો, કેટલી નવી મશીનરી, કેટલી વધારાની બેડ ક્ષમતા અને કેટલી નવી આરોગ્યસેવાઓ મળવાની છે?
કારણ કે હોસ્પિટલની નવી ઇમારતનું લોકાર્પણ વિકાસનો ઉત્સવ હોઈ શકે, પરંતુ દર્દીઓને મળતી નવી આરોગ્યસેવા જ વિકાસની સાચી ઓળખ છે.





