
આદિવાસી વિકાસ મંડળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક કુમાર છાત્રાલય, ધરમપુર ખાતે ધરમપુર વિધાનસભા ક્ષેત્રના માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની પ્રેરણાથી તથા એમના અંગત મદદનીશ ચંદ્રપાલભાઈ, અને ગૃહપતિ રાહુલભાઈ રાઉત ના આયોજન હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી મંડાલા આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ છાત્રાલયમાં ધરમપુર અને કપરાડા તાલુકાના જંગલ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ રહીને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સ્કિલ ડેવલપમેન્ટનો વિકાસ થાય તેવા ઉદ્દેશ સાથે આ વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં પ્રમાણિત મંડાલા આર્ટિસ્ટ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (મુંબઈ) કોમલબેન ગોરી દ્વારા વિદ્યાર્થીઓને મંડાલા આર્ટનો પરિચય આપવામાં આવ્યો હતો. તેમણે મંડાલા આર્ટની મૂળભૂત પદ્ધતિઓ, વિવિધ ડિઝાઇન, કલાત્મક અભિવ્યક્તિ તેમજ ધીરજ અને એકાગ્રતા સાથે સર્જન કરવાની કળા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મક પ્રતિભાને અભિવ્યક્ત કરી હતી.
આ પ્રસંગે છાત્રાલયના સંચાલક મંડળ તથા સ્ટાફે કોમલબેન ગોરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા સર્જનાત્મક કાર્યક્રમો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી મંડાલા આર્ટ કૃતિઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.








