
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી મેગા રકતદાન કેમ્પ આયોજિત કરવામાં આવે છે. આ શિબિર સ્વર્ગસ્થ કમલાશંકર એસ. રાય, જેઓ સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી હતા, તેમની પુણ્યતિથિ નિમિત્તે યોજાય છે. જેમાં આ વર્ષે 31મી જુલાઈ 2026ના રોજ યોજાયેલ રક્તદાન શિબિરમાં 1517 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.

સ્વ. કમલાશંકર રાયની 23મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાકેશ રાયે જણાવ્યું કે, આ શિબિર બાપુજીની યાદમાં આયોજિત કરવામાં આવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે 1175 યુનિટનો રેકોર્ડ તોડી ગત વર્ષે અમે 1670 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો. જ્યારે આ વર્ષે અમે ફરી એકવાર 1517 યુનિટ રક્ત એકત્ર કર્યું છે.

યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્ય માત્ર રક્તદાન પૂરતું સીમિત નથી. આ ટ્રસ્ટ આખું વર્ષ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે. જેમાં રેઈનકોટ વિતરણ, નોટબુક વિતરણ, વ્હીલચેર, ટ્રાઈસીકલ અને ગૌ સેવા માટે દાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

રાકેશ રાય અને ટ્રસ્ટના સભ્યો અકસ્માતગ્રસ્ત કે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે હંમેશા મદદરૂપ થવા તત્પર રહે છે. ખાસ કરીને, આ ટ્રસ્ટ આખા વર્ષ દરમિયાન 200 થી 300 લોકોની રક્તની જરૂરિયાત પૂરી પાડે છે.

ગયા વર્ષની શિબિરની જેમ લાયન્સ બ્લડ બેન્ક વાપી, માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખંડાનંદ આશ્રમ પુનાટના જયાનંદ સરસ્વતીજી, ઉમરગામ, સરીગામ અને વાપી ઈન્ડસ્ટ્રીઝના વિવિધ ઉદ્યોગપતિઓ, તાલુકાના રાજકીય આગેવાનો, સરીગામ અને આસપાસની ગ્રામ પંચાયતના સરપંચ, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ શિબિરમાં પ્રાર્થના ગીત રજૂ કરી સ્વ. કમલાશંકર રાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને રક્તદાતાઓને પ્રોત્સાહિત ઈનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ સ્વ. કમલાશંકર રાયના સેવાકાર્યની સુવાસને આગળ ધપાવવાનો રાય પરિવારનો એક સફળ પ્રયાસ છે, જેમાં દરેક નામી-અનામી લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે. આ રીતે, આ મહારક્તદાન શિબિર સમાજસેવા, વડીલો પ્રત્યે સન્માન અને પરોપકારની ભાવનાને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે, સ્વ. કમલાશંકર રાયની 23મી પુણ્યતિથિ નિમિત્તે આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ હોવા છતાં, મોટી સંખ્યામાં રક્તદાતાઓ અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયે જણાવ્યું હતું કે, પ્રથમ કેમ્પમાં 365 અને બીજા કેમ્પમાં 831 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ત્રીજા કેમ્પમાં 1175 યુનિટ, ગત વર્ષે 1670 યુનિટ અને આ 5માં કેમ્પમાં 1517 યુનિટ રક્ત એકત્ર કરી ‘મહારક્તદાન શિબિર’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું હતું.







