અનાજ કિટ, તાડપત્રી, ધાબળા અને વિદ્યાર્થીઓ માટે નોટબુક-પેન્સિલ સેટનું વિતરણ; જરૂરિયાતમંદ પરિવારોનો આશીર્વાદ મેળવ્યો

તાજેતરમાં આવેલા પૂરથી પ્રભાવિત પરિવારોને મદદરૂપ બનવાના હેતુથી વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) વલસાડ જિલ્લા અને ઉમરગામ પ્રખંડની ટીમ દ્વારા ઉમરગામ તાલુકાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“માનવ સેવા એ જ પ્રભુ સેવા, બાકી બધું અહીંનું અહીં જ”ના સંદેશ સાથે વિહિપના કાર્યકર્તાઓએ ખતલવાડ ઢેકુ ખાડી વિસ્તાર, સંજાણ બંદર નદીકાંઠા વિસ્તાર, અણગામ તરાઈ ફળિયા, પુનાટ એકલારા માહ્યાવંશી ફળિયા તેમજ રોહિતવાસ સહિતના વિસ્તારોની મુલાકાત લઈને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કિટ, તાડપત્રી, ધાબળા તેમજ વિદ્યાર્થીઓ માટે નોટબુક અને પેન્સિલ સેટનું વિતરણ કર્યું હતું.

આ સેવા કાર્ય દરમિયાન વિહિપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ “જય શ્રીરામ” અને “વંદે માતરમ્”ના જયઘોષ સાથે પૂરગ્રસ્ત પરિવારોને હિંમત અને સહારો આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ રાહત અભિયાનમાં પિયુષભાઈ શાહ, અંકિતભાઈ શાહ, હિતેષભાઈ પૂનમીયા, રામભુવન વિશ્વકર્મા, વિમલભાઈ કામળી, વિશાલસિંહ, ગ્રીજેશભાઈ યાદવ, તાલુકા પંચાયત સભ્ય જીગ્નેશભાઈ માછી, ગૌતમભાઈ કિતાવત, રાજેશભાઈ નાવી, કૈલાસભાઈ લોઢા, રૂપેશભાઈ માહ્યાવંશી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાહત સામગ્રી પ્રાપ્ત કરનાર પરિવારો દ્વારા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે સંસ્થાને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, સમાજસેવાના આવા કાર્યો સતત ચાલુ રહે અને જરૂરિયાતમંદોને સમયસર સહારો મળતો રહે તેવી શુભેચ્છા છે.








