--Advertisement here--

થાળીમાં સ્વાદ કે સ્વાસ્થ્યનું જોખમ? વલસાડમાં 18 ફૂડ પેઢીઓની તપાસમાં ગંદકીના ચોંકાવનારા દ્રશ્યો

On: August 21, 2026 6:55 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
રસોડામાં ગંદકીથી લઈને કાળું થઈ ગયેલું તેલ અને વાસી ખોરાક સુધીની ક્ષતિઓ સામે કાર્યવાહી; 3 પેઢીના પરવાના સ્થગિત, 2નો ધંધો બંધ, 3ને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ

વલસાડ, તા. 21 ઓગસ્ટ:
વલસાદ જિલ્લામાં હોટલ-રેસ્ટોરન્ટ કે નાસ્તાની દુકાનમાં જમવા જતા ગ્રાહકો માટે ચેતવણીરૂપ તસવીરો સામે આવી છે. વલસાડ ફૂડ વિભાગે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યચીજોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે સંકળાયેલી કુલ 18 પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરતા કેટલીક જગ્યાએ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ગંભીર ભંગ સામે આવ્યા છે.

ફૂડ વિભાગની તપાસ દરમિયાન સામે આવેલા ફોટોગ્રાફ્સમાં ગંદકીથી ભરેલા રસોડા, મેલથી કાળી પડેલી દિવાલો, અસ્વચ્છ સ્ટોરેજ, યોગ્ય રીતે ન રાખવામાં આવેલી ખાદ્યચીજો, ગંદા વાસણો અને લાંબા સમયથી ઉપયોગમાં લેવાતું હોય તેવું દેખાતું તેલ જેવી સ્થિતિ જોવા મળે છે. કેટલીક જગ્યાએ ખાદ્યચીજોની તૈયારી અને સંગ્રહની સ્થિતિ પણ સ્વચ્છતાના સામાન્ય ધોરણો અંગે ગંભીર સવાલો ઉભા કરે તેવી જોવા મળી હતી.

ફૂડ વિભાગે તપાસ દરમિયાન ખાદ્યચીજોના સંગ્રહની વ્યવસ્થા, કન્ટેનર ઉપર લેબલિંગ, રસોડાની સ્વચ્છતા, ખાદ્યચીજોની ગુણવત્તા, પીવાનું પાણી, કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ, જરૂરી રજીસ્ટ્રેશન અને ફૂડ લાઇસન્સ સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

તિથલ રોડના જલારામ ખમણ હાઉસ સામે કડક કાર્યવાહી

વલસાડના તિથલ રોડ પર મેઘ રચના ટાવરમાં આવેલા જલારામ ખમણ હાઉસમાં રસોડામાં ગંદકી ઉપરાંત કાળું થઈ ગયેલું તેલ ઉપયોગમાં લેવાતું હોવાનું તપાસમાં જણાતા પેઢીનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો હોવાનું ફૂડ વિભાગે જણાવ્યું છે.

આ કાર્યવાહી સાથે સામે આવેલા ફોટોગ્રાફ્સમાં રસોડાની સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉભા કરતા દ્રશ્યો જોવા મળે છે.

પારડીથી ઉમરગામ સુધી તપાસનો વ્યાપ

ફૂડ વિભાગની કાર્યવાહી માત્ર વલસાડ શહેર પૂરતી મર્યાદિત રહી નહોતી. પારડી, વાપી અને ઉમરગામ વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી.

રામદેવ રેસ્ટોરન્ટ, કિલ્લા પારડીમાં રસોડાની અસ્વચ્છતા ઉપરાંત પાણીનો રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ ન કરવામાં આવતા પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો.

અનીતા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ કોર્નર, ઉમરગામ ખાતે ગંદકીથી ભરેલું રસોડું, વાસી ખોરાક અને જરૂરી રજીસ્ટ્રેશનનો અભાવ જણાતા ધંધો બંધ કરાવવામાં આવ્યો.

હોટલ નિત્યાનંદ, ઉમરગામ ખાતે રસોડામાં ગંદકી, વાસી ખોરાક અને ફ્રીઝરમાં અસ્વચ્છતા જેવી ક્ષતિઓ જણાતા પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો.

જ્યારે અરિહંત ગૃહ ઉદ્યોગ, ઉમરગામ ખાતે સ્વચ્છતાના ધોરણો વિરુદ્ધ ઉત્પાદન, ગંદકી અને જરૂરી રજીસ્ટ્રેશનના અભાવે ધંધો બંધ કરાવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ત્રણ પેઢીઓને Improvement Notice

હોટલ ફાઉન્ટેન, પારડી, હોટલ પેપીલોન, વાપી અને લક્ષ્મી રેસ્ટોરન્ટ, વાપી ખાતે જરૂરી દસ્તાવેજો તથા સ્ટોરેજમાં કન્ટેનર ઉપર લેબલિંગ સંબંધિત ક્ષતિઓ જણાતા ત્રણેય પેઢીઓને સુધારણા માટે ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે.

10 પેઢીઓમાં કાર્યવાહી જરૂરી ન જણાઈ

તપાસ દરમિયાન અમીરસ રેસ્ટોરન્ટ, મઘુવન રેસ્ટોરન્ટ, આરામ રેસ્ટોરન્ટ, પ્રાઇમ ડાઇન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ, ગજાનંદ ફાસ્ટ ફૂડ સેન્ટર, શ્રી ઉડીપી રેસ્ટોરન્ટ, ગોરીલ્લાસ, સર્વોત્તમ રેસ્ટોરન્ટ, અંબિકા સ્નેક્સ અને અરોમા ચાર્ટ્સ એન્ડ સ્નેક્સ સહિતની 10 પેઢીઓમાં સ્વચ્છતા સંતોષકારક જણાતા તેમની સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત જણાઈ નહોતી.

હવે ગ્રાહકોએ પણ સાવધાન થવાની જરૂર

હોટલ કે નાસ્તાની દુકાનમાં દેખાતી ચમકતી ફ્રન્ટ સાઇડથી વધુ મહત્વનું તેનું રસોડું છે. ગ્રાહક જે ખોરાક ખાઈ રહ્યો છે તે કઈ પરિસ્થિતિમાં તૈયાર થયો છે, તે સામાન્ય રીતે તેની નજરથી દૂર રહે છે.

આ કાર્યવાહી બાદ ફૂડ વિભાગે ખાદ્યચીજોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી પેઢીઓની તપાસ ચાલુ રાખવાની ચેતવણી આપી છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન નહીં કરનાર સામે કાયદા મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગે નાગરિકોને પણ ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતી અંગે જાગૃત રહેવા તથા કોઈ અનિયમિતતા જણાય તો તંત્રને જાણ કરવા અપીલ કરી છે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!