--Advertisement here--

સરીગામ GIDC માં કંપનીના HR મેનેજર વિરુદ્ધ મહિલા કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ મામલે કંપની સંચાલકોએ પોતાનો પક્ષ રજૂ કરી મહત્વનો ખુલાસો કર્યો

On: June 10, 2026 2:55 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સરીગામ, ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત મહિલા કર્મચારી દ્વારા કંપનીના HR મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદના આધારે સરીગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધી HR મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી મહિલા કર્મચારીએ HR મેનેજર દ્વારા અયોગ્ય વર્તન અને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર મામલે કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ બી. એસ. રાવ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઘટનાના કારણે કંપનીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું છે. તેમના જણાવ્યા અનુસાર કંપનીમાં મોબાઈલ ફોન તેમજ ગુટખા જેવી વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ છે અને ફરિયાદી મહિલા અગાઉ મોબાઈલ લઈને આવતા પકડાઈ ચૂકી હતી.

વાઈસ પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલા ઘણીવાર કંપનીના નિર્ધારિત સમય કરતાં મોડે આવતી હતી. ઘટનાના દિવસે પણ તે મોડેથી કંપની પર પહોંચી હતી. જેથી HR મેનેજરે તેને કંપનીના ગેટ પરથી જ પરત ઘરે જવા જણાવ્યું હતું અને અંદર પ્રવેશ આપ્યો નહોતો. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હોવાનું કંપનીનું કહેવું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને અનુસંધાને HR મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

કંપનીએ વધુમાં જણાવ્યું કે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ HR મેનેજરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. બીજી તરફ ફરિયાદી મહિલા કર્મચારીને ફરી નોકરી પર હાજર થવા માટે કહેવામાં આવ્યું હોવા છતાં તેઓ હજુ સુધી કામ પર પરત ફરી નથી.

આ મામલે ફરિયાદી મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. જ્યારે HR મેનેજરે આ મુદ્દે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

બીજી તરફ, પીડિતાને ન્યાય અપાવવા માટે આગળ આવેલા આર. એન. પ્રજાપતિ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં લગાવવામાં આવેલી કલમો પૂરતી નથી. તેમના જણાવ્યા મુજબ, તેમની પાસે એક વીડિયો પુરાવો પણ છે, જેમાં HR મેનેજર મહિલા સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનું દેખાઈ આવે છે. તેમણે દાવો કર્યો કે પીડિતાને ન્યાય અપાવવા માટે તેઓ કાનૂની લડત લડવાની તૈયારી કરી રહ્યા છે.

હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે. એક તરફ કંપની પોતાનો પક્ષ રજૂ કરી રહી છે તો બીજી તરફ પીડિતાના સમર્થકો વધુ પુરાવા હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં તપાસ દરમિયાન કયા નવા ખુલાસા થાય છે અને કેસ કયો વળાંક લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

error: Content is protected !!