ધરમપુરના યુવા શિક્ષણપ્રેમી અને વિદ્યાર્થી નેતાને મળેલી જવાબદારીથી દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીવર્ગમાં આનંદની લાગણી

ધરમપુર તાલુકાના ભાંભા ગામના યુવા શિક્ષણપ્રેમી અને વિદ્યાર્થી નેતા પ્રદીપભાઈ પટેલની ગુજરાત સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકથી ધરમપુર તાલુકા, વલસાડ જિલ્લો તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીવર્ગમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
પ્રદીપભાઈ પટેલે પોતાના વિદ્યાર્થી જીવનથી જ વિદ્યાર્થી હિત, શિક્ષણ અને ન્યાય માટે સતત કાર્ય કર્યું છે. વર્ષ 2015થી તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે કાર્યકર તરીકે પોતાની જાહેર જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધરમપુર નગર મંત્રી, જિલ્લા સહ-સંયોજક સહિતની વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતાં વિદ્યાર્થી હિતના અનેક પ્રશ્નોને વાચા આપી હતી.
ABVPમાં તેમણે પ્રદેશ જનજાતિ સંયોજક તરીકે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વર્ષ 2021માં દિલ્હીમાં યોજાયેલા જનજાતિ સંમેલનમાં તેમણે આદિવાસી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરીને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ રાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યો હતો.
ધરમપુર તાલુકામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેઠાણની સુવિધા મળે તે હેતુથી તેમણે વિદ્યાર્થી હોસ્ટેલની માંગ સાથે સતત પ્રયત્નો કર્યા હતા. તેમના પ્રયાસોના પરિણામે આજે આ હોસ્ટેલમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે નિવાસની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
આ ઉપરાંત ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપના માધ્યમથી તેમણે અનેક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન, કોચિંગ અને સહયોગ પૂરો પાડી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ ક્ષેત્રે તેમના સતત અને નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતાં ગુજરાત સરકારે તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક કરી છે.
તેમની આ નિમણૂક બદલ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વિદ્યાર્થી સંગઠનો તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.






