--Advertisement here--

નારગોલ બીચ પર આજે 1200થી વધુ લોકો સફાઈ માટે ઉતર્યા. 15 ટનથી વધુ કચરો એકત્ર થયો

On: August 9, 2026 10:37 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

OPERATION DEEP SEA — ભાગ 4

પાઈપલાઈન હજુ જમીન પર નથી આવી… છતાં સમુદ્ર કિનારો 15 ટન કચરાથી કચરાય રહ્યો છે!

વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના આહ્વાન પર આજે નારગોલ બીચ પર યોજાયેલા મેગા સફાઈ અભિયાનની તસવીરો માત્ર સ્વચ્છતા અભિયાનની સફળતા નથી બતાવતી…

આ તસવીરો એક મોટો સવાલ પણ પૂછી રહી છે. નારગોલના દરિયાકાંઠે આજે પ્લાસ્ટિક, કપડાં, પેકેજિંગ વેસ્ટ સહિતનો અંદાજે 15 ટનથી વધુ કચરો સાફ કરવામાં આવ્યો. 1200થી વધુ લોકો બીચ પર ઉતર્યા. મશીનરી કામે લાગી. સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને વહીવટી તંત્ર—બધા મળીને દરિયાકિનારો સાફ કરવા મેદાનમાં ઉતર્યા.

પરંતુ અહીંથી જ Operation Deep Seaનો સૌથી મોટો સવાલ શરૂ થાય છે… જ્યારે સામાન્ય કચરો જ દરિયાકાંઠે આટલી મોટી સમસ્યા ઊભી કરી શકે છે… તો ભવિષ્યમાં ઔદ્યોગિક પ્રદૂષિત પાણી દરિયાઈ વિસ્તારમાં પહોંચે ત્યારે તેની અસરનું આયોજન કેટલું ગંભીરતાથી કરવામાં આવ્યું છે?

અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. હાલ નારગોલ વિસ્તારમાં CETPની પ્રસ્તાવિત પાઈપલાઈન નાખવામાં આવી નથી. એટલે આજે નારગોલ બીચ પર મળેલો આ કચરો CETPના પાણીના કારણે છે એવો દાવો કરવાનો પ્રશ્ન જ નથી. પરંતુ આજની સફાઈ અભિયાનની તસવીરો આપણને ભવિષ્ય અંગે વિચારવા મજબૂર કરે છે.

આજે દરિયાએ પ્લાસ્ટિક અને કપડાનો કચરો કિનારે પાછો ધકેલ્યો છે. કારણ કે સમુદ્રમાં જે કંઈ જાય છે તે હંમેશા ત્યાં જ રહેતું નથી. સમુદ્રની લહેરો, પ્રવાહ અને પવન કચરાને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે છે અને ઘણી વખત કિનારે પાછો લાવી શકે છે.

હવે કલ્પના કરો… જો ભવિષ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રનું ટ્રીટેડ એફ્લ્યુએન્ટ Deep Sea Outfall દ્વારા દરિયામાં છોડવાનું આયોજન થાય… તો પ્રશ્ન માત્ર એટલો નથી કે— “પાણી ટ્રીટેડ હશે કે નહીં?” પ્રશ્ન એ પણ છે કે

પાઈપલાઈનનું અંતિમ સ્થળ ક્યાં હશે?

સમુદ્રી પ્રવાહ કઈ દિશામાં જાય છે?

ચોમાસામાં પરિસ્થિતિ કેવી રહેશે?

દરિયાઈ જીવસૃષ્ટિ પર લાંબા ગાળાની અસર શું થશે?

નારગોલ, તડગામ, કાલઈ અને આસપાસના દરિયાકાંઠા પર તેની અસરનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન થયું છે કે નહીં?

અને સૌથી મહત્વનું… જો આજે 15 ટન કચરો સાફ કરવા 1200થી વધુ લોકોની જરૂર પડે છે, તો આવતીકાલના સંભવિત ઔદ્યોગિક દબાણ માટે આપણે કેટલા તૈયાર છીએ?

નારગોલ પાસે માત્ર દરિયો નથી. અહીં બીચ છે. માલવણ બીચ છે. માંગેલવાડ બીચ છે. ઈકો-ટુરિઝમ વિસ્તાર છે. આ વિસ્તારની પોતાની કુદરતી ઓળખ છે.

આજે જિલ્લા વહીવટી તંત્ર આ દરિયાકાંઠાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જનઆંદોલન શરૂ કરી રહ્યું છે. એક તરફ “સ્વચ્છ નારગોલ”નું અભિયાન… અને બીજી તરફ ભવિષ્યમાં દરિયામાં ઔદ્યોગિક એફ્લ્યુએન્ટ છોડવાની ચર્ચા…

આ બંને બાબતોને એકસાથે રાખીને જોવાનો સમય આવી ગયો છે. કારણ કે… બીચ સાફ કરવો એ ઉકેલ છે. પરંતુ બીચ ફરી ગંદો ન થાય તેની વ્યવસ્થા કરવી એ સાચો ઉકેલ છે.

આજે કલેક્ટર સહિત 1200થી વધુ લોકો નારગોલને સાફ કરવા ઉતર્યા છે. પરંતુ Operation Deep Seaનો સવાલ છે— શું આવતીકાલે પણ નારગોલને સાફ કરવા 1200 લોકો ઉતારવા પડશે?” કે પછી આજે જ એવી વ્યવસ્થા થશે કે— નારગોલનો દરિયો સ્વચ્છ રહે,
નારગોલનું પર્યાવરણ સુરક્ષિત રહે,
અને પ્રવાસનનો વિકાસ પણ કુદરતની કિંમત ચૂકવ્યા વગર થાય?

આ સવાલ નારગોલનો જ નથી.
આ સવાલ સમગ્ર ઉમરગામના દરિયાકાંઠાનો છે. અને કદાચ… આ સવાલનો જવાબ પાઈપલાઈન દરિયામાં પહોંચે તે પહેલાં જ શોધવો પડશે.

નોંધ: આ રિપોર્ટમાં CETP પાઈપલાઈનથી પ્રદૂષણ થયું હોવાનો દાવો કરવામાં આવતો નથી. હાલની બીચની કચરાની સ્થિતિના આધારે પ્રસ્તાવિત/ચર્ચિત Deep Sea Outfallના ભવિષ્યના પર્યાવરણીય જોખમ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

error: Content is protected !!