--Advertisement here--

જામનગર | કાલાવડના સડોદરથી ઉઠ્યો આરોહણ પ્રોજેક્ટના હિસાબ પર સવાલ: RTIમાં 15 ગામોના ખર્ચથી બિલ-ટેન્ડર સુધી વિગતો મંગાઈ

On: August 26, 2026 11:02 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કામ કેટલું થયું એ નહીં, હવે સવાલ છે પૈસા કેટલા આવ્યા અને ક્યાં ગયા? 15 ગામોના ખર્ચથી બિલ-ટેન્ડર, શિષ્યવૃત્તિ, સખી મંડળ અને પેટ્રોલ સુધીનો હિસાબ RTIમાં માંગ્યો

 

જામનગર | જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ‘આરોહણ પ્રોજેક્ટ’ અંગે હવે નાણાકીય પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. એક RTI અરજીમાં 2018થી અત્યાર સુધીના પ્રોજેક્ટના કામો, ખર્ચ, ગ્રાન્ટ, બિલો, ટેન્ડર પ્રક્રિયા, શિષ્યવૃત્તિ, સખી મંડળો, વાહનો, પેટ્રોલ ખર્ચ, વૃક્ષારોપણ અને કર્મચારીઓની વિગતો માંગવામાં આવી છે.

આ મામલો એટલા માટે મહત્વનો બન્યો છે કે RTI અરજી બાદ સંબંધિત સરકારી કચેરીઓએ પણ અરજીને આગળની કાર્યવાહી માટે મોકલી છે. બીજી તરફ, પ્રોજેક્ટ સાથે સંકળાયેલી Centre for Environment Education (CEE) સંસ્થાએ પોતાના જવાબમાં ‘આરોહણ’ને ફંડર દ્વારા સપોર્ટેડ પ્રોજેક્ટ ગણાવ્યો છે. જોકે ફંડર સાથેના કરારની વિગતો આપવાનો ઇનકાર કર્યો છે.

અહીંથી જ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ ઊભો થાય છે—પ્રોજેક્ટ માટે નાણાં કોણ આપે છે, કેટલા આપે છે અને ગામડાઓમાં તે પૈસા કેવી રીતે વપરાય છે?

સૌ પ્રથમ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ‘આરોહણ’ કોઈ કાગળ પરનો કે માત્ર નામ પૂરતો પ્રોજેક્ટ નથી. CEEના જાહેર અહેવાલો પ્રમાણે પ્રોજેક્ટ હેઠળ ગામડાઓમાં પાણી, શિક્ષણ અને રોજગાર-આજીવિકા સંબંધિત કામગીરી કરવામાં આવી છે. CEEના 2022-23ના અહેવાલમાં આરોહણ હેઠળ 24 ગામોમાં કામગીરી અને 30 હજારથી વધુ લાભાર્થીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ જ અહેવાલમાં સખી મંડળો, Farmer Clubs અને અન્ય ગ્રામ્ય વિકાસની કામગીરીની વિગતો પણ આપવામાં આવી છે. એટલે પ્રોજેક્ટ હેઠળ વાસ્તવિક કામગીરી થઈ હોવાનું જાહેર દસ્તાવેજોમાં જોવા મળે છે.

પરંતુ RTIનો મુખ્ય સવાલ કામગીરી થઈ કે નહીં તે નથી. મુખ્ય સવાલ છે—આ કામગીરી પાછળનો હિસાબ કેટલો પારદર્શક છે?

RTIમાં શું માંગવામાં આવ્યું?

  • RTI અરજીમાં 15 ગામોના સંદર્ભમાં 2018થી અત્યાર સુધીની વિગતવાર માહિતી માંગવામાં આવી છે.
  • અરજીમાં માત્ર એકાદ-બે સવાલ નથી, પરંતુ પ્રોજેક્ટના નાણાકીય અને વહીવટી વ્યવહારને સ્પર્શતા અનેક મુદ્દાઓ પૂછવામાં આવ્યા છે.
  • સૌથી પહેલાં પ્રોજેક્ટ હેઠળ થયેલા કામોની વિગતો અને તેના ખર્ચની માહિતી માંગવામાં આવી છે.
  • કયા ગામમાં કયું કામ થયું?
  • કેટલો ખર્ચ થયો?
  • કયા કામ માટે કેટલી રકમ ફાળવવામાં આવી?
  • તેના estimate અને bills ક્યાં છે?
  • કામ કોને આપવામાં આવ્યું?
  • ટેન્ડર કરવામાં આવ્યું હતું કે નહીં?
  • જો ટેન્ડર કરવામાં આવ્યું હોય તો તેની પ્રક્રિયા શું હતી?
  • અને જો ટેન્ડર વગર કામ આપવામાં આવ્યું હોય તો કયા નિયમ હેઠળ આપવામાં આવ્યું?
  • આ સવાલોના જવાબો મળે તો પ્રોજેક્ટ હેઠળ ખરેખર કેટલો ખર્ચ થયો તેની તસવીર વધુ સ્પષ્ટ બની શકે.

RTIમાં સૌથી ગંભીર મુદ્દાઓ પૈકી એક સડોદર ગામની ખાબરા યુનિટ અંગે છે.

અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ યુનિટ એક સરકારી કર્મચારી દ્વારા ચલાવવામાં આવે છે. અરજદારે સવાલ કર્યો છે કે જો સરકારી કર્મચારીને આ પ્રકારની જવાબદારી આપવામાં આવી હોય તો તે કયા આદેશથી આપવામાં આવી? શું સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી હતી? સરકારી કર્મચારીને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાવાની મંજૂરી હતી? અને તેનો સખી મંડળ સાથે શું સંબંધ છે?

સખી મંડળોના હિસાબ પણ તપાસના કેન્દ્રમાં

આરોહણ પ્રોજેક્ટમાં મહિલા સશક્તિકરણ અને સખી મંડળો પણ મહત્વનો ભાગ છે. RTIમાં સખી મંડળોની સંખ્યા, સભ્યો, બચત રજિસ્ટર, બેંક પાસબુક અને નાણાકીય વ્યવહારો અંગે માહિતી માંગવામાં આવી છે.

આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કે CEEના પોતાના જાહેર અહેવાલમાં આરોહણ હેઠળ 96 સખી મંડળો અને આશરે 1,025 મહિલાઓ જોડાયેલી હોવાનું જણાવાયું છે. તમામ સખી મંડળોની cumulative saving આશરે ₹41 લાખ દર્શાવવામાં આવી છે.

પ્રોજેક્ટ હેઠળ બાળકોને આપવામાં આવેલી શિષ્યવૃત્તિ અંગે પણ RTIમાં માહિતી માંગવામાં આવી છે.

  • કેટલા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવી?
  • કેટલી રકમ આપવામાં આવી?
  • ક્યારે આપવામાં આવી?
  • અને ચુકવણીના પુરાવા શું છે?

વાહનો અને પેટ્રોલ ખર્ચ અંગે સવાલ

RTIમાં પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા વાહનો અંગે પણ વિગતવાર માહિતી માંગવામાં આવી છે.

  • કેટલાં વાહનોનો ઉપયોગ થાય છે?
  • વાહન કોના નામે છે?
  • પ્રોજેક્ટ માટે કેટલો પેટ્રોલ કે ડીઝલ ખર્ચ થયો?
  • તેના bills ક્યાં છે?
  • વાહનોના logbook અને tour programme registerમાં શું નોંધાયું છે?

આરોહણ હેઠળ વૃક્ષારોપણ અને રોપા વિતરણની કામગીરીનો પણ ઉલ્લેખ જાહેર દસ્તાવેજોમાં જોવા મળે છે. RTIમાં 2018થી અત્યાર સુધી કેટલા રોપા ખરીદવામાં આવ્યા, ક્યાંથી ખરીદવામાં આવ્યા, કયા ગામમાં કેટલા રોપા આપવામાં આવ્યા અને ખેડૂતોની વિગતો શું છે તે અંગે માહિતી માંગવામાં આવી છે.

CEEએ શું જવાબ આપ્યો? હવે સમગ્ર મામલાનો સૌથી મહત્વનો ભાગ.

14 ફેબ્રુઆરી 2025ના CEEના Public Information Officerના પત્રમાં જણાવાયું છે કે Centre for Environment Education એક non-government organisation છે. પત્રમાં આગળ જણાવાયું છે કે CEE વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે અને Aarohan એક funder દ્વારા supported project છે.

CEEએ વધુમાં જણાવ્યું છે કે પ્રોજેક્ટની કામગીરી funder સાથે થયેલા agreement અને તેમાં નક્કી થયેલી શરતો અનુસાર થાય છે. પરંતુ આ agreement અંગેની માહિતી funder સાથેના કરાર મુજબ confidential છે અને શેર કરી શકાય નહીં, એવો જવાબ CEEએ આપ્યો છે.

આ જવાબમાં સૌથી મહત્વનો શબ્દ છે—‘Funder’.

કારણ કે જાહેર દસ્તાવેજોમાં Aarohanનો સંબંધ CLP India અને ત્યારબાદ Apraava Energy સાથે જોવા મળે છે અને તેને CSR project તરીકે પણ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ CEEના આ પત્રમાં ફંડરનું નામ કે કરારની નાણાકીય વિગતો આપવામાં આવી નથી.

આ વાત સાબિત કરવા માટે સરકારી ગ્રાન્ટનો ચોક્કસ દસ્તાવેજ, રકમ અને તેના ઉપયોગના રેકોર્ડ જરૂરી છે. હાલ ઉપલબ્ધ માહિતી એટલું ચોક્કસ કહેવાની મંજૂરી આપે છે કે પ્રોજેક્ટના નાણાં અને ખર્ચ અંગે RTIમાં ગંભીર અને વિગતવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલામાં હાલ સૌથી મહત્વના ત્રણ સવાલ છે. પહેલો—આરોહણ માટે વાસ્તવમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા? બીજો—આ પૈસામાંથી ગામવાર અને કામવાર કેટલો ખર્ચ થયો? ત્રીજો—CEE જે funder agreementને confidential કહે છે, તેમાં નાણાકીય જવાબદારી અને ખર્ચ અંગે શું શરતો છે?

આ ઉપરાંત આરોહણ માટે કરાયેલી Social Return on Investment Study પણ તપાસનો મહત્વનો મુદ્દો છે. Apraavaના 2024-25ના જાહેર અહેવાલમાં આરોહણ માટે independent SROI study કરવામાં આવી હોવાનું દર્શાવાયું છે. આ અભ્યાસ એપ્રિલ 2024માં Reach to Roots દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ કંપનીના અહેવાલ મુજબ તેના પરિણામો public domainમાં મૂકવામાં આવ્યા નથી. અટલે હવે આ report પણ તપાસ માટે મહત્વપૂર્ણ બની જાય છે.

આરોહણ પ્રોજેક્ટ હેઠળ કામગીરી થઈ છે કે નહીં તે અંગે જાહેર દસ્તાવેજોમાં પૂરતી માહિતી ઉપલબ્ધ છે. પરંતુ હવે ચર્ચાનો મુદ્દો કામ થયું કે નહીં કરતાં આગળ વધી ગયો છે. હવે સવાલ છે—

  • કામ પાછળ કેટલા રૂપિયા ખર્ચાયા?
  • પૈસા ક્યાંથી આવ્યા?
  • CEE સુધી કેટલા રૂપિયા પહોંચ્યા?
  • 15 ગામોમાં કયા કામ પાછળ કેટલો ખર્ચ થયો?
  • બિલ, ટેન્ડર અને ચુકવણીના રેકોર્ડ ક્યાં છે?
  • ફંડર સાથેના કરારમાં એવી કઈ નાણાકીય વિગતો છે જેને CEE ‘Confidential’ કહી જાહેર કરતું નથી?

RTIમાં ઉઠાવવામાં આવેલા સવાલો એટલા ચોક્કસ અને નાણાકીય દસ્તાવેજો સાથે જોડાયેલા છે કે તેમના જવાબો બહાર આવે તો આરોહણ પ્રોજેક્ટના વાસ્તવિક નાણાકીય હિસાબ અને પારદર્શિતાની સ્થિતિ ચોક્કસપણે વધુ સ્પષ્ટ થઈ શકે. હવે નજર RTIના આગામી જવાબો અને પ્રોજેક્ટના મૂળ નાણાકીય દસ્તાવેજો પર છે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!