--Advertisement here--

મણિપુર હબાર્ડી બોક્સાઇટ ખાણ પ્રોજેક્ટ: એક જ DEIAમાં ઉત્પાદન ક્ષમતા અને Mineable Reserveના અલગ-અલગ આંકડા!

On: November 14, 2026 8:31 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ક્યાંક વાર્ષિક ઉત્પાદન 1 લાખ ટન, તો ક્યાંક 2.50 લાખ ટન! Mineable Reserve પણ એક જગ્યાએ 2.64 લાખ ટન અને બીજી જગ્યાએ 1.04 લાખ ટન દર્શાવાયો; 6.76 વર્ષના ખાણના આયુષ્યની ગણતરી અંગે સ્પષ્ટતાની જરૂર

દેવભૂમિ દ્વારકા | ઔરંગા ટાઇમ્સ, રિપોર્ટઃ મનસુખ સોલંકી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મણિપુર હબાર્ડી ગામે બોક્સાઇટ (Aluminous Laterite) અને લેટેરાઇટ ખનન માટેનો પ્રોજેક્ટ હવે જાહેર સુનાવણીના તબક્કે પહોંચ્યો છે. M/s Maa Mines and Minerals દ્વારા સર્વે નં. 648, 650 અને 567ની કુલ 5.2278 હેક્ટર ખાનગી જમીનમાં ઓપનકાસ્ટ પદ્ધતિથી ખનન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અંગે 19 નવેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગ્યે જાહેર સુનાવણી યોજાવાની છે. સુનાવણી પહેલાં પ્રોજેક્ટના પર્યાવરણીય દસ્તાવેજોનો અભ્યાસ કરતાં ઉત્પાદન ક્ષમતા, ખનિજ જથ્થા અને ખાણના આયુષ્ય અંગે એક નહીં, પરંતુ અનેક મહત્ત્વના પ્રશ્નો સામે આવ્યા છે.

એક જ પ્રોજેક્ટ, પરંતુ ઉત્પાદન ક્ષમતાના બે અલગ આંકડા!

પ્રોજેક્ટના અંગ્રેજી Executive Summaryના પેજ નં. 8માં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,00,068 ટન દર્શાવવામાં આવી છે. જ્યારે DEIAના પેજ નં. 79 સહિતના અન્ય વિભાગોમાં ROM ઉત્પાદન ક્ષમતા 2,50,053.75 ટન પ્રતિ વર્ષ દર્શાવાય છે.

બંને આંકડાઓ વચ્ચે દર વર્ષે આશરે 1.50 લાખ ટનનો તફાવત છે. આ માત્ર દસ્તાવેજ તૈયાર કરતી વખતે થયેલી ભૂલ છે કે પછી ઉત્પાદન ક્ષમતાની ગણતરીમાં કોઈ ફેરફાર થયો છે? જો ઉત્પાદન ક્ષમતામાં ફેરફાર થયો હોય તો તેની સુધારેલી વિગતો કયા આધારે તૈયાર કરવામાં આવી છે? જાહેર સુનાવણી પહેલાં આ અંગે સ્પષ્ટતા જરૂરી છે.

કુલ રિઝર્વ 7.05 લાખ ટન, પરંતુ Mineable Reserveના બે અલગ આંકડા!

DEIAના પેજ નં. 78માં ખનિજ જથ્થા અંગે દર્શાવેલા આંકડા મુજબ બોક્સાઇટનો રિઝર્વ 1,04,853.22 ટન અને લેટેરાઇટનો રિઝર્વ 6,00,673.05 ટન છે. બંનેનો સરવાળો કરતાં કુલ Geological Reserve 7,05,526.27 ટન થાય છે.

પરંતુ આ જ DEIAના પેજ નં. 80ના ‘Anticipated Life of Mine’ વિભાગમાં Mineable Reserve 2,64,413.88 ટન દર્શાવવામાં આવ્યો છે. જ્યારે પેજ નં. 174ના ‘Summary and Conclusion’ વિભાગમાં Mineable Reserve માત્ર 1,04,853.22 ટન લખવામાં આવ્યો છે.

અર્થાત્, એક જ DEIAના જુદા-જુદા વિભાગોમાં Mineable Reserveના બે અલગ આંકડા સામે આવે છે. આ બંને વચ્ચે 1,59,560.66 ટનનો તફાવત છે.

Geological Reserve અને Mineable Reserve અલગ ખનન-તકનીકી શ્રેણીઓ છે. તેથી બંને વચ્ચે તફાવત હોવો પોતે જ ગેરરીતિનો પુરાવો નથી. પરંતુ એક જ દસ્તાવેજમાં Mineable Reserve તરીકે બે અલગ આંકડા શા માટે દર્શાવાયા છે, અને ખનન માટે વાસ્તવમાં કેટલો જથ્થો ઉપલબ્ધ ગણવામાં આવ્યો છે, તે સમજાવવું જરૂરી છે.

6.76 વર્ષના ખાણના આયુષ્યની ગણતરી કેવી રીતે થઈ?

DEIAના પેજ નં. 80માં 2,64,413.88 ટન Mineable Reserve અને 2,50,053.75 ટન વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના ઉલ્લેખ સાથે ખાણનું આયુષ્ય આશરે 6.76 વર્ષ દર્શાવવામાં આવ્યું છે.

પરંતુ આ બંને આંકડાનો સીધો ભાગાકાર કરતાં ખાણનું આયુષ્ય આશરે 1.06 વર્ષ થાય છે. બીજી તરફ, પેજ નં. 174માં દર્શાવાયેલા 1,04,853.22 ટન Mineable Reserveના આધારે ગણતરી કરીએ તો તે આશરે 0.42 વર્ષ થાય છે.

આ ગણતરી વાર્ષિક મહત્તમ ઉત્પાદન ક્ષમતા સતત જળવાય છે તેવી ધારણા પર આધારિત છે. વાસ્તવિક ખાણનું આયુષ્ય તબક્કાવાર ઉત્પાદન આયોજન, ખનનયોગ્ય જથ્થા અને અન્ય તકનીકી પરિબળો પર આધારિત હોઈ શકે છે. તેમ છતાં, દસ્તાવેજમાં દર્શાવેલા આંકડાઓના આધારે 6.76 વર્ષનું આયુષ્ય કેવી રીતે નક્કી કરવામાં આવ્યું છે તેની સ્પષ્ટ સમજૂતી જરૂરી છે.

પાંચ વર્ષના ઉત્પાદન આયોજનમાં કુલ 7.05 લાખ ટન ROM દર્શાવાયું

DEIAના પેજ નં. 80ના Table 2.4માં પાંચ વર્ષ માટેનું ઉત્પાદન આયોજન દર્શાવવામાં આવ્યું છે.

  • વર્ષ 1: 80,042.31 ટન
  • વર્ષ 2: 2,50,053.75 ટન
  • વર્ષ 3: 1,25,004.28 ટન
  • વર્ષ 4: 1,25,014.32 ટન
  • વર્ષ 5: 1,25,067.33 ટન

આ પાંચ વર્ષનું કુલ ROM ઉત્પાદન 7,05,181.99 ટન દર્શાવાયું છે. આ આંકડો પેજ નં. 78માં દર્શાવાયેલા કુલ Geological Reserve 7,05,526.27 ટનની ખૂબ નજીક છે. બંને વચ્ચે માત્ર 344.28 ટનનો તફાવત છે.

ત્યારે સવાલ એ છે કે પાંચ વર્ષના ઉત્પાદન આયોજનમાં કુલ રિઝર્વની નજીકનો જથ્થો દર્શાવાયો છે, જ્યારે Mineable Reserveના બે અલગ આંકડા તેનાથી ઘણા ઓછા છે. આ તમામ ગણતરીઓ વચ્ચેનો સંબંધ અને આધાર જાહેર જનતા સમક્ષ સ્પષ્ટ થવો જોઈએ.

  • 19 નવેમ્બરની જાહેર સુનાવણીમાં કયા સવાલોના જવાબ જરૂરી?
  • Executive Summaryમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,00,068 ટન અને DEIAમાં 2,50,053.75 ટન દર્શાવવાનું કારણ શું છે?
  • કુલ Geological Reserve 7,05,526.27 ટન સામે Mineable Reserve એક જગ્યાએ 2,64,413.88 ટન અને બીજી જગ્યાએ 1,04,853.22 ટન કેમ દર્શાવાયો છે?
  • ખાણનું આયુષ્ય 6.76 વર્ષ નક્કી કરવા માટે કયા Mineable Reserve અને કઈ ઉત્પાદન ગણતરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
  • પાંચ વર્ષના ઉત્પાદન આયોજનમાં કુલ 7,05,181.99 ટન ROM દર્શાવાયું છે. આ આયોજન અને Mineable Reserveના આંકડાઓ વચ્ચેનો સંબંધ શું છે?
  • શું જાહેર સુનાવણી પહેલાં આ વિસંગતતાઓ અંગે સુધારેલી અને એકસરખી વિગતો જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે?

19 નવેમ્બર 2026ના રોજ જાહેર સુનાવણી

  • ઉપલબ્ધ જાહેર સુનાવણીની યાદી મુજબ:
  • તારીખ: 19 નવેમ્બર 2026
  • સમય: બપોરે 12:00 વાગ્યે

પ્રોજેક્ટ: M/s Maa Mines and Minerals – Bauxite (Aluminous Laterite) & Laterite Mine

  • જમીન: સર્વે નં. 648, 650 અને 567
  • ગામ: મણિપુર હબાર્ડી
  • તાલુકો: કલ્યાણપુર
  • જિલ્લો: દેવભૂમિ દ્વારકા
  • લીજ વિસ્તાર: 5.2278 હેક્ટર

યાદીમાં દર્શાવેલું સ્થળ: Maa Mines and Minerals, સર્વે નં. 648, 650 અને 567, ગામ મણિપુર હબાર્ડી, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા.

જાહેર સુનાવણી સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને પર્યાવરણ સાથે સંકળાયેલા લોકો માટે પ્રોજેક્ટ અંગે પ્રશ્નો અને વાંધા-રજૂઆતો રજૂ કરવાની મહત્ત્વની તક બની શકે છે.

ઔરંગા ટાઇમ્સનો અભિગમ : આ તપાસનો હેતુ કોઈ કંપની કે પ્રોજેક્ટને પૂર્વગ્રહથી દોષિત ઠેરવવાનો નથી. પ્રોજેક્ટના પોતાના પર્યાવરણીય દસ્તાવેજોમાં દર્શાવાયેલા આંકડાઓ વચ્ચેના તફાવતો અંગે પારદર્શક સ્પષ્ટતા મેળવવાનો છે. પ્રોજેક્ટ પ્રસ્તાવક અને સંબંધિત સત્તાધિકારીઓનો પક્ષ પણ એટલો જ મહત્ત્વનો છે.

જાહેર સુનાવણીમાં આ પ્રશ્નોના જવાબ મળે છે કે નહીં અને સ્થાનિક લોકોની રજૂઆતોને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તેના આધારે તપાસના આગામી ભાગોમાં ખનન વિસ્તાર, ભૂગર્ભજળ, પર્યાવરણ અને સ્થાનિક પરિવહન વ્યવસ્થાની વિગતોની તપાસ કરવામાં આવશે.

તપાસ ચાલુ છે… ઔરંગા ટાઇમ્સ | Operation Mining Watch – Part 1

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!