એક જ બિલ્ડિંગમાં કાર્યરત GIDC અને નોટિફાઇડ એરિયાની અલગ-અલગ કચેરીઓ, અલગ અધિકારીઓ અને અલગ જવાબદારીઓ. પરંતુ બંને કચેરીઓમાં અધિકારીઓ કરતાં કર્મચારીઓનું વર્ચસ્વ હોવાના આક્ષેપો વચ્ચે વહીવટી વ્યવસ્થા સામે સવાલો.

વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારની આ બે સરકારી કચેરીઓ છે. એક તરફ છે સરીગામ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરની કચેરી અને બીજી તરફ છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે GIDCના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સબ-ડિવિઝન કચેરી.
રસપ્રદ વાત એ છે કે બંને કચેરીઓ એક જ બિલ્ડિંગમાં કાર્યરત છે. નોટિફાઇડ એરિયાની કચેરી પ્રથમ માળે છે, જ્યારે GIDCની કચેરી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે.
બંને સંસ્થાઓની કામગીરી અલગ છે. નોટિફાઇડ એરિયા સ્થાનિક સુવિધાઓ, પાણી પુરવઠો, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ અને વિવિધ કરવેરાની કામગીરી સંભાળે છે. જ્યારે GIDC ઔદ્યોગિક પ્લોટ, જમીન ફાળવણી, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને વિકાસકામો સાથે સંકળાયેલું છે.
પરંતુ સવાલ એ છે કે આ બંને કચેરીઓમાં ખરેખર વહીવટ કોણ ચલાવે છે?
સ્થાનિક સ્તરે એવી ફરિયાદો અને આક્ષેપો સાંભળવા મળી રહ્યા છે કે કચેરીઓમાં અધિકારીઓ કરતાં કેટલાક કર્મચારીઓનું વર્ચસ્વ વધારે છે. રોજિંદી કામગીરીથી લઈને અરજદારોના કામ અને ફાઇલોની પ્રક્રિયા સુધી કર્મચારીઓની ભૂમિકા નિર્ણાયક હોવાની ચર્ચા છે.
જો આવું હોય તો અધિકારીઓની સત્તા અને જવાબદારીનું શું?
શું કર્મચારીઓ માત્ર સોંપાયેલી વહીવટી કામગીરી કરે છે કે પછી નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ તેમની ભૂમિકા હાવી થઈ ગઈ છે?
નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર અને GIDCના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જવાબદારી શું છે? કયા કામની અંતિમ મંજૂરી કોણ આપે છે? અરજદારોની ફરિયાદોનો નિકાલ કોણ કરે છે?
આ ઉપરાંત બંને કચેરીઓના બજેટ, સ્ટાફ, રેકોર્ડ અને નાણાકીય વ્યવહારો અલગ-અલગ કેવી રીતે સંચાલિત થાય છે તેની પણ તપાસ જરૂરી છે.
આપણે આ બંને કચેરીઓના વહીવટી આદેશો, કર્મચારીઓની જવાબદારીઓ, અધિકારીઓની સત્તાઓ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવો તપાસી રહ્યા છીએ.
કારણ કે સરકારી કચેરીમાં હોદ્દો માત્ર નામ પૂરતો ન હોવો જોઈએ. સત્તા કોની પાસે છે અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ હોવું જોઈએ.
આ તો માત્ર શરૂઆત છે. હવે પછીના હપ્તામાં તપાસ કરીશું કે સરીગામની આ બંને કચેરીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓનાં કામો માટે નાણાકીય લેવડદેવડ કેવી રીતે થાય છે અને મોટી રકમની વસૂલાતના આક્ષેપો પાછળ હકીકત શું છે?




