પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન રથમાં બેસી પડી રડતા હતા. તેની આંખોમાં આંસુ હતા અને મનમાં ભારે મૂંઝવણ. બીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રીકૃષ્ણ તેને પ્રેમથી ઠપકો આપે છે અને જ્ઞાનનો દીવો પ્રગટાવે છે.
ન જાયતે મ્રિયતે વા કદાચિન્-
નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્વતોડયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ (શ્લોક 20)
(આ આત્મા ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી; તેમજ તે ફરીથી અસ્તિત્વમાં આવવાનો હોય તેવું પણ નથી. તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીર નાશ પામવા છતાં તેનો નાશ થતો નથી.)
કૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન! આ મુશ્કેલ સમયે તારા મનમાં આવી કાયરતા ક્યાંથી આવી? આ તારા જેવા આર્ય યોદ્ધાને શોભતું નથી. ઊભો થા અને યુદ્ધ કર! “પરંતુ અર્જુન હજુ પણ લાગણીશીલ છે. તે કૃષ્ણને વિનંતી કરે છે કે, “હું તમારો શિષ્ય છું, હવે તમે મને રસ્તો બતાવો.” અહીંથી શ્રીકૃષ્ણ સાચા ‘ગુરુ’ તરીકેની ભૂમિકા શરૂ કરે છે.
શરીર મરે છે, આત્મા નહીં
શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તું જેમના મૃત્યુનો શોક કરે છે, તે ખરેખર ક્યારેય મરતા જ નથી. તેઓ આત્માનું રહસ્ય સમજાવતા કહે છે:
“નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ”
(આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી.)
જેમ આપણે જૂના કપડાં ઉતારીને નવા પહેરીએ છીએ, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. એટલે મૃત્યુનો ભય રાખવો એ અજ્ઞાનતા છે.
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોડપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ (શ્લોક 22)
(જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ જ આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે.)
કર્મ કરવાનો અધિકાર (કર્મયોગ)
આ અધ્યાયમાં ગીતાનો સૌથી પ્રસિદ્ધ શ્લોક છે,
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોડસ્ત્વકર્મણિ ॥ (શ્લોક 47)
કૃષ્ણ કહે છે: “તારો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં.” તું વિજય કે પરાજયનો વિચાર કર્યા વગર તારું કર્તવ્ય નિભાવ.
યોગસ્થઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય ।સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ (શ્લોક 48)
(હે ધનંજય! આસક્તિનો ત્યાગ કરીને તથા સફળતા અને નિષ્ફળતામાં સમાન બુદ્ધિ રાખીને તું યોગમાં સ્થિત થઈને કર્મો કર. આ ‘સમત્વ ભાવ’ (બધી સ્થિતિમાં સરખા રહેવું) એ જ યોગ છે.)
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે ।તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ॥ (શ્લોક 50)
(સમબુદ્ધિ ધરાવતો માણસ પુણ્ય અને પાપ બંનેને આ લોકમાં જ ત્યજી દે છે. તેથી તું યોગમાં જોડાઈ જા, કારણ કે ‘કર્મોમાં કુશળતા’ (Efficiency in action) એ જ યોગ છે.)
દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ ।વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે ॥ (શ્લોક 56)
(જેનું મન દુઃખોમાં વ્યાકુળ થતું નથી, જેને સુખોની લાલસા નથી અને જેના રાગ (મોહ), ભય તથા ક્રોધ નષ્ટ થઈ ગયા છે, તેવો સ્થિર બુદ્ધિવાળો માણસ ‘સ્થિતપ્રજ્ઞ’ કહેવાય છે.)
‘સ્થિતપ્રજ્ઞ’ માણસ કોણ?
અર્જુન પૂછે છે કે જેનું મન શાંત છે, તે માણસ કેવો હોય? કૃષ્ણ જવાબ આપે છે કે જે વ્યક્તિ સુખમાં છકી જતો નથી અને દુઃખમાં ડરી જતો નથી, જેની બુદ્ધિ સ્થિર છે, તે જ સાચો જ્ઞાની છે.
આજના સમયમાં વિદ્યાર્થીઓ કે નોકરી કરતા લોકો માટે ‘પરિણામની ચિંતા વગર મહેનત કરવી’ એ વાત આ અધ્યાયથી સમજાય છે.
“શું તમે ક્યારેય ફળની આશા રાખ્યા વગર કોઈની મદદ કરી છે? એ અનુભવ કેવો હતો?” કોમેન્ટ માં જરૂર લખો





