ગિરના સિંહો અને વન્યજીવોની રક્ષા માટે રાત-દિવસ જોખમ ખેડતા ફોરેસ્ટ ટ્રેકર્સ માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા વન્યજીવ પ્રેમી, રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીના વિશેષ સહયોગથી ગિરના 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું મજબૂત કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
સામાન્ય રીતે અત્યંત જોખમી કામગીરીને કારણે વીમા કંપનીઓ ટ્રેકર્સને વીમો આપતા ખચકાતી હોય છે, પરંતુ નથવાણીના અથાક પ્રયાસોથી ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ દ્વારા આ અશક્ય કામ શક્ય બન્યું છે. ટ્રેકર્સને આ વીમાની સંપૂર્ણ સમજણ આપવા માટે 16 અને 17 મે, 2026ના રોજ સાસણ ગિરના સિંહ સદન ખાતે બે-દિવસીય ખાસ કાર્યશિબિર યોજાઈ ગઈ.
વીમા કવચની મુખ્ય વિશેષતાઓ
ટ્રેકર્સને રૂ. 3 લાખથી લઈને રૂ. 10 લાખ સુધીનું આર્થિક સુરક્ષા કવચ મળ્યું છે, જે અંતર્ગત: અકસ્માત મૃત્યુ સહાય: અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં પરિવારને રૂ. 1000000 ની સહાય.
બાળકોનું શિક્ષણ: પરિવારના એક બાળકના ભણતર માટે રૂ. 25000 અને બે બાળકો માટે મહત્તમ રૂ. 50000 સુધીની સહાય.
અપંગતા વળતર: કાયમી અપંગતા કે અંગ-દૃષ્ટિ ગુમાવવાના કિસ્સામાં નિયમ મુજબ વળતર, સાથે જ રજાનું વળતર અને પાર્થિવ દેહનો વાહન ખર્ચ પણ સામેલ.
મેડિક્લેઇમ સુવિધા: બીમારી કે ઈજાના કિસ્સામાં રૂ. 300000 સુધીનું કવચ, જેમાં સર્જરી, રૂમ ચાર્જ, ડોક્ટર ફી અને દવાઓનો ખર્ચ આવરી લેવાશે.
કેશલેસ સારવાર: વીમા કંપનીની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર, જેમાં 30 દિવસ વહેલા અને 60 દિવસ પછી સુધીના હોસ્પિટલાઇઝેશન ખર્ચનો સમાવેશ.
શ્રી પરિમલ નથવાણીનું મોટું એલાન
“વન્યજીવોના સંરક્ષણ અને રેસ્ક્યુની જોખમી કામગીરી કરતા આ ટ્રેકર્સ અને તેમના પરિવારોને આનાથી મોટી માનસિક રાહત મળશે. આ વીમાના પ્રિમિયમની રકમ હું મારા વ્યક્તિગત ફંડમાંથી ચૂકવીને અત્યંત આનંદ અનુભવું છું. એટલું જ નહીં, આગામી 10 વર્ષ સુધી આ પ્રિમિયમનું યોગદાન હું વ્યક્તિગત રીતે અથવા મારા ટ્રસ્ટના માધ્યમથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીને આપતો રહીશ.”
કાર્યશિબિરમાં હાજર મુખ્ય વનસંરક્ષક રામ રતન નાલા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને પ્રશાંત તોમર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, વન અને પર્યાવરણ વિભાગના સહયોગથી લેવાયેલું આ ઐતિહાસિક પગલું ગિરના રક્ષકોનું મનોબળ ચોક્કસપણે વધારશે. સલામ છે ગિરના આ સાચા રક્ષકોને અને ધન્યવાદ શ્રી પરિમલ નથવાણીના આ પ્રશંસનીય કાર્યને!





