નવસારી દોડે છે, પેકેજ 11 તૈયાર છે… તો વલસાડ, સેલવાસના નેતાઓ કેમ કુંભકર્ણની નિદ્રામાં છે?

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, જે દેશની આર્થિક પ્રગતિની નવી કરોડરજ્જુ ગણાય છે, આ પ્રોજેક્ટ હેઠળ આવતા VME Project આજે સ્થાનિક નેતાઓની ઉદાસીનતા અને અધિકારીઓની નબળી નીતિઓનો શિકાર બન્યો છે. આ “વડોદરા – મુંબઈ એક્સપ્રેસવે” પર નવસારી સુધીનું કામ પૂરું થઈ ચૂક્યું છે, ઉદ્ઘાટન પણ થઈ ગયું છે અને ગાડીઓ દોડી રહી છે. આટલું જ નહીં, આગળનું પેકેજ 11 પણ તૈયાર છે!

પરંતુ વડોદરા – મુંબઈ એક્સપ્રેસવેનો વલસાડ જિલ્લો અને દાદરા નગર હવેલી વચ્ચેનો પેકેજ 8, 9 અને 10 નો 87 કિલોમીટરનો ટુકડો આજે પણ ટલ્લે ચડેલો છે.

સૌથી મોટો અને સળગતો સવાલ એ છે કે આ પ્રોજેક્ટના રસ્તામાં નડતી હાઈટેન્શન લાઈનોને દૂર કરવામાં આટલો મોટો વિલંબ કેમ? જે નેતા પોતે ગુજરાતના ઊર્જા મંત્રી છે અને વલસાડ જિલ્લાના જ વતની છે, તેઓ આ હાઈટેન્શન લાઈન શિફ્ટ કરવાના મામલે મૌન કેમ ધારણ કરીને બેઠા છે?

જેટકો (GETCO) અને કોન્ટ્રાક્ટર કંપની વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચની તડજોડ ચાલતી રહી, કામ અટકેલું રહ્યું, અને આજે કરોડોના સળિયા ખુલ્લા આકાશ નીચે કટાઈ રહ્યા છે – પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી!

નવસારીના નેતાઓ બાજી મારી ગયા, વલસાડ ખાલી જોતું રહ્યું!
અહીં એક મોટો ખેલ પણ ચર્ચાઈ રહ્યો છે. નવસારીના નેતાઓએ હોશિયારી વાપરીને પોતાના સુધીનો VME Project ચાલુ કરાવી દીધો અને ત્યાંથી ટ્રાફિક નાસિક તરફ વાળી દીધો! બીજી તરફ, વલસાડ અને દાદરા નગર હવેલીના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ જાણે આ મહત્વાકાંક્ષી માર્ગ પરથી પોતાનું ધ્યાન હટાવી ચૂક્યા છે. મોટા વેપારીઓ અને વગદાર નેતાઓ આ ગંભીર મુદ્દે રસ દાખવતા નથી, જેના કારણે આખો વિસ્તાર કનેક્ટિવિટીના અભાવે આર્થિક નુકસાન ભોગવી રહ્યો છે.

વલસાડનાં નેતાઓ/રાજકારણીઓ સોશિયલ મીડિયામાં ચમકાવવા માટે જે તાયફો કરે છે તેવો જ તાયફો જીલ્લામાંથી પસાર થતો અધુરો અટકી પડેલો આ વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના પ્રોજેક્ટને પૂર્ણ કરવા કરે તે વધું હિતાવહ રહેશે.

NHAI દ્વારા જૂના વિવાદો બાદ રોડવેઝ સોલ્યુશન્સ ઇન્ડિયા નામની કોન્ટ્રાક્ટ કંપનીનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરીને હવે જુલાઈ 2026 માં નવી બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ જ છે કે આટલા વર્ષોનો જે વિલંબ થયો અને જનતાના ટેક્સના પૈસા રોળાયા, તેની જવાબદારી કોની?
વિકાસની મોટી-મોટી વાતો કરનારા નેતાઓ, ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા સાંસદો અને ધારાસભ્યો આ બોટલનેક (અડચણ) ક્યારે દૂર કરશે? આ કોઈ નાનો રસ્તો નથી, દેશની આર્થિક કનેક્ટિવિટીનો માર્ગ છે.





