મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હોસ્પિટલ ખુલ્લી મુકાઈ; ચાર ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓનું નિરીક્ષણ

વાપી, તા. 3 નવેમ્બર: વાપી અને આસપાસના વિસ્તારોના લાખો લોકો માટે આરોગ્ય સુવિધાના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભેટ સમાન રૂ. 48.22 કરોડના ખર્ચે નવનિર્મિત 150 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ રિબીન કાપીને હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ તકતીનું અનાવરણ કરી હોસ્પિટલને જનતા માટે ખુલ્લી મૂકી હતી.

લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ચાર ઓપરેશન થિયેટર, ઇમરજન્સી વિભાગ સહિત ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કરી દર્દીઓને આપવામાં આવતી સેવાઓ અંગે વિગતો મેળવી હતી.

આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement 
વાપીમાં આ નવી હોસ્પિટલ શરૂ થવાથી સ્થાનિક નાગરિકો ઉપરાંત આસપાસના વિસ્તારોના લોકોને પણ આરોગ્ય સેવાઓ માટે મોટી સુવિધા ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.









