--Advertisement here--

ધારાસભ્ય-મંત્રીશ્રીના નામે દિવાળી કવર? ઉમરગામમાં ચંગુ-મંગુની અનોખી શુભેચ્છા ચર્ચામાં!

On: November 14, 2026 1:37 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બે મીડિયા કર્મીઓએ સજ્જન વડીલ પાસે ધારાસભ્ય – મંત્રીશ્રીના નામે ₹5-5 હજારની શુભેચ્છાની વાત કરી હોવાની ચર્ચા; વડીલના વળતા જવાબથી સમગ્ર ઘટનાએ પકડ્યો ચર્ચાનો વિષય.

ઉમરગામ | ઔરંગા ટાઈમ્સ

દિવાળી આવે એટલે મીઠાઈ, ફટાકડા અને શુભેચ્છા કવરની આપ-લે સામાન્ય બાબત છે. પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં આ વખતે દિવાળી શુભેચ્છાની એક અનોખી પદ્ધતિ ચર્ચામાં આવી છે. અહીં બે મીડિયા કર્મીઓ દ્વારા એક સજ્જન વડીલ પાસે ધારાસભ્ય – મંત્રીશ્રીના નામે દિવાળી શુભેચ્છાના ₹5-5 હજાર આપવાની વાત કરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

મળતી માહિતી અને ચર્ચા મુજબ, વલસાડ જિલ્લાના બે મીડિયા કર્મીઓ ઉમરગામ પંથકના એક સજ્જન વડીલ પાસે પહોંચ્યા હતા. તેમણે વડીલને જણાવ્યું હતું કે વલસાડના જાણીતા અને લોકલાડીલા ધારાસભ્ય – મંત્રીશ્રીએ દિવાળીની શુભેચ્છા નિમિત્તે  ₹5-5 હજાર આપવાનું કહ્યું છે.

આ સાંભળીને વડીલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વાભાવિક રીતે તેમના મનમાં સવાલ ઊભો થયો કે કોઈ મીડિયા કર્મીને દિવાળી શુભેચ્છાનું કવર આપવા માટે મંત્રીશ્રી પોતે ભલામણ કરે એ વાત કેટલી સ્વાભાવિક છે?

જોકે, વડીલે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાને બદલે એક અનોખો જવાબ આપ્યો.

તેમણે બંનેને કહ્યું કે, “ધારાસભ્ય – મંત્રીશ્રીનો મને તો કોઈ ફોન આવ્યો નથી. હાલ પૂરતું મારું દિવાળી કવર લઈ જાઓ. મંત્રીશ્રીનો ફોન આવે એટલે તેઓ જે કહેશે એ પણ આપી દઈશ.”

વડીલના આ જવાબ પાછળનો સંદેશ સ્પષ્ટ હતો કે ધારાસભ્ય – મંત્રીશ્રીની સીધી પુષ્ટિ વિના તેમના નામે કરવામાં આવેલી વાત પર વિશ્વાસ કેવી રીતે કરવો?

આ ઘટનાએ હવે અનેક સવાલો ઊભા કર્યા છે. જો ખરેખર ધારાસભ્ય – મંત્રીશ્રીના નામનો ઉપયોગ કરીને આ રીતે દિવાળી શુભેચ્છાના નામે નાણાં માંગવામાં આવ્યાં હોય તો શું આ માત્ર એક ઘટના છે કે પછી આવી કોઈ વ્યવસ્થિત પદ્ધતિ પણ કાર્યરત છે?

શું અન્ય ધારાસભ્યો, સાંસદો કે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓનાં નામે પણ આવી રીતે દિવાળી શુભેચ્છાના કવર માંગવામાં આવતાં હશે? શું સંબંધિત રાજકીય આગેવાનોને તેમના નામનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ છે?

આ ઘટનામાં એક મહત્ત્વનો મુદ્દો મંત્રીશ્રીની પ્રતિષ્ઠા સાથે પણ જોડાયેલો છે. રાજકીય આગેવાનોની આસપાસ અનેક લોકોનો સંપર્ક રહેતો હોય છે. આવા સંજોગોમાં કોઈ તકસાધુ વ્યક્તિ તેમના નામનો ઉપયોગ કરીને અંગત લાભ મેળવવાનો પ્રયાસ કરે તો તેની સીધી અસર નેતાની છબી પર પડી શકે છે.

તેથી ધારાસભ્ય – મંત્રીશ્રીના કાર્યાલયે પણ પોતાના નામે કોઈ વ્યક્તિ નાણાં કે દિવાળી કવર માંગતી હોવાની ફરિયાદ મળે તો તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ.

દિવાળી શુભેચ્છા આપવી એ સદભાવનાની વાત છે. પરંતુ કોઈ અન્ય વ્યક્તિ કે રાજકીય આગેવાનના નામનો ઉપયોગ કરીને નાણાં માંગવામાં આવતાં હોય તો તે ગંભીર બાબત છે.

હાલ ઉમરગામ પંથકથી લઈને વલસાડ જિલ્લા સુધી આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. જોકે, આક્ષેપોની સત્યતા અને તેમાં સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે સ્વતંત્ર પુષ્ટિ થવી હજુ જરૂરી છે.

ઔરંગા ટાઈમ્સનો સવાલ: શુભેચ્છા કોની અને ઉઘરાણી કોના નામે?

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!