અધિકારીઓ કરતાં કર્મચારીઓની જોહુકમીના આક્ષેપો! અરજદારોને ધક્કા ખવડાવવાથી લઈને માળખાકીય સુવિધાઓના નામે મોટી રકમની માંગણી સુધીની ફરિયાદો. સરકારી ફીનું મેનુ કેટલું અને ખિસ્સા હળવા કરવાનું ગણિત કેટલું?

અધિકારી ખુરશી પર… પણ રિમોટ કોના હાથમાં?
સરીગામની GIDC અને નોટિફાઇડ એરિયા કચેરીઓની તપાસના પ્રથમ હપ્તામાં આપણે સવાલ ઉઠાવ્યો હતો કે બંને કચેરીઓમાં વહીવટનું અસલી નિયંત્રણ કોના હાથમાં છે? હવે બીજા હપ્તામાં સામે આવી રહેલી ફરિયાદો જાણે એક જ કહેવત યાદ અપાવે છે—ચા કરતાં કિટલી ગરમ!
સ્થાનિક સ્તરે થતી ફરિયાદો મુજબ, કેટલીક કામગીરીમાં અધિકારીઓ કરતાં કર્મચારીઓનું વર્ચસ્વ વધારે હોવાના આક્ષેપો છે. અધિકારીઓ બદલાતા રહે છે, પરંતુ વર્ષોથી એક જ કચેરીમાં કાર્યરત કેટલાક કર્મચારીઓની પકડ યથાવત્ રહેતી હોવાની ચર્ચા છે. સવાલ એ છે કે તેઓ માત્ર સોંપાયેલી ફરજ બજાવે છે કે નિર્ણય પ્રક્રિયામાં પણ તેમનું વર્ચસ્વ છે?
અરજદાર કામ લઈને આવે, ધક્કા ખાઈને પાછો ફરે?
ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનું કનેક્શન, ડ્રેનેજ, બિલ્ડિંગ પ્લાન કે અન્ય માળખાકીય સુવિધાઓ માટે ઉદ્યોગકારોએ કચેરીઓના ધક્કા ખાવા પડે છે. પરંતુ ફરિયાદો માત્ર પ્રક્રિયામાં થતા વિલંબની નથી; કેટલાક કર્મચારીઓ અરજદારો સાથે તુમાખીભર્યું વર્તન કરતા હોવાના પણ આક્ષેપો છે.
ફાઇલમાં ખામી હોય તો લેખિતમાં જણાવાય છે કે અરજદારને વારંવાર ધક્કા ખવડાવાય છે? કામની સ્થિતિ પૂછવા જનારને યોગ્ય જવાબ મળે છે? અને જો કર્મચારીઓ અધિકારીઓને પણ ગાંઠતા ન હોવાની ફરિયાદો સાચી હોય તો વિભાગીય દેખરેખ ક્યાં છે?
સરકારી ફી કે ખિસ્સું હળવું કરવાની સ્કીમ?
આ તપાસનો સૌથી સંવેદનશીલ મુદ્દો છે નાણાકીય વ્યવહારો. પાણી, ડ્રેનેજ, બિલ્ડિંગ પ્લાન અને અન્ય સુવિધાઓ માટે સત્તાવાર ફીનું માળખું હોવું જોઈએ. તેમ છતાં કેટલીક કામગીરી માટે અરજદારો પાસેથી મોટી રકમની માંગણી કે વસૂલાત થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
સવાલો સ્પષ્ટ છે: સત્તાવાર ફી કેટલી છે? દરેક ચુકવણીની રસીદ અપાય છે? નાણાં સરકારી ખાતામાં જમા થાય છે? અને જો કર્મચારીઓ નાણાં સ્વીકારતા હોય તો તેમને આ સત્તા કોણે આપી છે?
જવાબદારી અધિકારીઓની પણ છે!
કોઈ કર્મચારી ફાઇલ અટકાવે, અરજદાર સાથે અયોગ્ય વર્તન કરે કે સત્તાની મર્યાદા બહાર જઈ નાણાકીય વ્યવહાર કરે તો જવાબદારી કોની? ચીફ ઓફિસર અને GIDCના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે કર્મચારીઓની કામગીરીની દેખરેખની જવાબદારી છે કે નહીં?
આ સવાલોના જવાબ માટે કર્મચારીઓના સત્તા સોંપણીના આદેશો, સરકારી ફીનું માળખું, રસીદો, ફરિયાદો અને નાણાકીય રેકોર્ડની તપાસ જરૂરી છે.
સરકારી કચેરી કોઈની અંગત જાગીર નથી અને અરજદાર કોઈની મહેરબાનીનો મોહતાજ નથી.
આગામી અને હપ્તામાં તપાસ કરીશું બંને કચેરીઓના બજેટ, ટેન્ડર, કોન્ટ્રાક્ટરો, વિકાસકામો, સરકારી નાણાંના ખર્ચ અને ઓડિટના હિસાબની.
OPERATION SARIGAM – PART 02
સંપાદકીય નોંધ: આ લેખમાં રજૂ થયેલી બાબતો સ્થાનિક ફરિયાદો અને તપાસના મુદ્દાઓ છે, સાબિત થયેલા તારણો નહીં. સંબંધિત અધિકારીઓ અને કચેરીઓનો પક્ષ મેળવી તથા દસ્તાવેજી પુરાવાની ચકાસણી કર્યા બાદ જ અંતિમ નિષ્કર્ષ રજૂ કરવામાં આવશે.




