જેમના પાદરમાંથી દમણગંગા વહે છે એ જ આદિવાસીઓ તરસ્યા: ઉદ્યોગો માટે પાણીની રેલમછેલ, સ્થાનિકો માટે ‘નલ સે જલ’ ફેલ!
ગુજરાતમાં એક તરફ કરોડો રૂપિયાના ડિજિટલ વિકાસ અને મેગા પ્રોજેક્ટ્સની વાહવાહી થઈ રહી છે, ત્યારે વલસાડ જિલ્લાના છેવાડાના આદિવાસી વિસ્તાર કપરાડામાંથી હૃદય કંપાવી દેનારો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે. વાર્ષિક સૌથી વધુ વરસાદ મેળવતો અને ‘ગુજરાતના ચેરાપુંજી’ તરીકે ઓળખાતો કપરાડા તાલુકો ચોમાસામાં પાણીથી તરબતર હોય છે, પરંતુ ઉનાળો આવતા જ અહીંની મહિલાઓ માટે જિંદગી એક-એક બેડા પાણી માટેનો સંગ્રામ બની જાય છે.

કપરાડા તાલુકાની ઘાડવી પંચાયતના ભાઠેરી ગામના ગોપીદેવ ફળિયામાં આજે પણ બહેનો પથ્થરવાળા પહાડોમાં નખ અને કોદાળીથી ‘વીરડા’ (નાના ખાડા) બનાવીને ટીપે-ટીપે પાણી ભેગું કરવા મજબૂર બની છે.

રૂપિયા 586 કરોડની અસ્ટોલ યોજના માત્ર કાગળ પર?
લોકોના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવ્યા પછી પણ જનતા તરસથી ટળવળે તેનું આ જીવંત ઉદાહરણ છે. આ વિસ્તારની સાવ નજીકથી જ દમણગંગા નદી પસાર થાય છે. આ નદીના પાણીને પહાડી વિસ્તારો સુધી પહોંચાડવા માટે રૂપિયા 586 કરોડના ભવ્ય ખર્ચે ‘એસ્ટોલ જળ વિતરણ યોજના’ તૈયાર કરવામાં આવી છે. આટલી મોટી રકમના આયોજનો છતાં ગોપીદેવ ફળિયા જેવા અનેક ફળિયામાં એક ઘડા કે બેડાને ભરવા માટે સ્થાનિક બહેનોએ કાળઝાળ ગરમીમાં પહાડો વચ્ચે કલાકો સુધી બેસી રહેવું પડે છે.

પહાડના પથ્થરો વચ્ચેથી ઝરતું પાણી વીરડામાં જમા થાય તેની 3-3 કલાક સુધી રાહ જોવી પડે છે, ત્યારે માંડ એક પરિવારની તરસ છીપાય છે.

વાપી માટે 1000 કરોડની જાહેરાતો, નેતાઓની ઇન્સ્ટા પર રીલ્સ; પણ કપરાડાના ભાઠેરીમાં 1 ઘડો પાણી ભરવા 3 કલાકનું વેઇટિંગ!

ઉદ્યોગો માટે પાણીની રેલમછેલ, આદિવાસી જનતા માટે કેમ નલ સે જલ ફેલ?
આ જ જળ સ્ત્રોતોમાંથી વલસાડ શહેર, વાપી, સેલવાસ અને દમણના મોટા ઉદ્યોગોને અવિરત પાણી પૂરું પાડવામાં વહીવટી તંત્ર રાત-દિવસ એક કરી દે છે. જેમના ગામના પાદરમાંથી, જેમની જમીનો પરથી નદી વહે છે તે મૂળ વતનીઓ આજે પાણી વગર તરસ્યા છે. વહીવટી તંત્રના ‘નલ સે ઘર’ ના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે અઠવાડિયામાં માંડ એકાદ વાર નળમાં પાણી દર્શન આપે છે. કૂવાઓ સંપૂર્ણપણે સુકાઈ ગયા છે અને ભૂગર્ભ જળના સ્તર તળિયે બેસી ગયા છે.

રાજકીય ચમક-દમક અને પક્ષપલટા વચ્ચે પીસાતી પ્રજા
નાણામંત્રીની ઉદાસીનતા: ગુજરાત સરકારના નાણામંત્રી આ જ જિલ્લાના પ્રતિનિધિત્વ હેઠળ આવે છે, જેઓ બજેટમાં વાપી જેવા શહેરી વિસ્તારો માટે 1000 કરોડના વિકાસકામોની જાહેરાતો કરીને વાહવાહી લૂંટી રહ્યા છે, પરંતુ ઘરઆંગણે કપરાડાની જનતા માટે પ્રાથમિક સુવિધા આપવામાં ઉદાસીનતા સેવાઈ રહી છે.

રીલ્સમાં રાચતા સાંસદ: સ્થાનિક સાંસદ સોશિયલ મીડિયા (ઈન્સ્ટાગ્રામ) પર સતત રીલ્સ અપલોડ કરીને ‘વિકાસ’ ની ચમકદમક બતાવી રહ્યા છે, પણ ગ્રાઉન્ડ પર તરસ્યા ગળા સુધી પહોંચવા માટે નેતાઓ પાસે સમય નથી.

પક્ષપલટો થયો, પણ સ્થિતિ એ જ: ભૂતકાળમાં જ્યારે અહીં વિપક્ષ (કોંગ્રેસ) ના ધારાસભ્ય હતા, ત્યારે શાસક પક્ષ પર દોષારોપણ થતું હતું. આજે એ જ નેતાઓ પક્ષપલટો કરીને શાસક પક્ષ (ભાજપ) માં જોડાઈ ગયા હોવા છતાં જનતાની સ્થિતિમાં ‘પાઈ’ નો પણ સુધારો થયો નથી.

જનતાની કોઠાસૂઝની અવગણના: ચેકડેમ અને બંધની માંગ કચરાપેટીમાં
ગામલોકો વર્ષોથી આ કાયમી સમસ્યાના નિરાકરણ માટે વ્યવહારુ ઉકેલ માંગી રહ્યા છે. ચોમાસામાં વહી જતા અબજો ગેલન પાણીને રોકવા માટે દમણગંગા નદી કે તેના વહેણ પર એક નાનો બંધ કે ચેકડેમ બનાવવામાં આવે તો બારેમાસ પાણીનો સંગ્રહ થઈ શકે અને કૂવા રિચાર્જ થાય. પરંતુ એસી ચેમ્બરોમાં બેસતા સરકારી બાબુઓ અને સત્તાધીશો ગ્રામીણ પ્રજાને ‘ગામડિયા’ ગણીને તેમની આ દેશી અને સચોટ કોઠાસૂઝને સ્વીકારવા તૈયાર નથી. પરિણામે દર વર્ષે કરોડોના બજેટ છતાં આદિવાસી બહેનો પહાડો ખુંદવા મજબૂર બને છે.









